પ્રદ્યુમ્ન મર્ડર કેસ: સહપાઠીએ જ હત્યા કરી હોવાનું CBIનું અનુમાન

ગુરુગ્રામ- રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પ્રદ્યુમ્ન હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાત દરમિયાન CBIના વરિષ્ઠ અધિકારીએ જણાવાયું કે, આ મર્ડર કેસમાં શાળાના જ એક સીનિયર વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે. જેને જૂવેનાઈલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરવામાં આવશે. જો કે આ સંબંધે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. અટકાયત કરાયેલો વિદ્યાર્થી 11માં ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

CBIના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે તપાસ એજન્સીને શંકા છે કે, આ વિદ્યાર્થી હત્યા સમયે બાથરુમમાં હાજર હતો. જો કે અટકાયત કરવામાં આવેલા આ વિદ્યાર્થીની પ્રદ્યુમ્નની હત્યામાં શું ભૂમિકા હતી એ તો CBI દ્વારા સત્તાવાર નિવેદન રજૂ કરાયા બાદ જ માલુમ પડશે.

જે વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી છે તેના પિતાએ પોતાના પુત્રને ખોટીરીતે ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેમના પુત્રએ જ શાળાના શિક્ષકોને પ્રદ્યુમ્નની હત્યાની સૌથી પહેલા માહિતી આપી હતી. વિદ્યાર્થીના પિતાના જણાવ્યાં મુજબ તેમના પુત્રની અને તેમની CBI અધિકારીઓ દ્વારા મંગળવાર મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી કરી અને ત્યારબાદ તેના પુત્રની અટકાયત કરવામાં આવી હતી.

આપને જણાવી દઈએ કે, ગત 8 સપ્ટેમ્બર 2017ના રોજ ગુરુગ્રામની રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના બાથરુમમાં પ્રદ્યુમ્નની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ અનેક દિવસો સુધી સ્કૂલ બંધ રાખવામાં આવી હતી. જેમાં શાળામાં સુરક્ષાને લઈને મેનેજમેન્ટ પર અનેક સવાલો ઊભા થયા હતાં.

ઉલ્લેખનીય છે કે, પ્રદ્યુમ્ન હત્યા કેસમાં ધરપકડ કરાયેલા શાળાના બસ ડ્રાઈવર અશોકકુમારે પોતે હત્યા કર્યાની વાત કબૂલ કરી હતી પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે, તે કોઈ દબાણમાં હતો. ત્યારબાદ તેણે કોર્ટમાં પોતાને ફસાવવામાં આવ્યો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]