વલસાડ જિલ્લાની 5 બેઠક પર જૂના કે નવા મુરતિયા હશે..?

વાપી– આગામી 9મી ડીસેમ્બરે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષોએ પોતપોતાના મુરતિયાઓને મેદાનમાં ઉતારવાની કવાયત તેજ કરી છે. જેમાં આ વખતે ગયા વખતના મુરતિયાઓ પર જ બન્ને પક્ષો ચૂંટણી જંગ ખેલશે તેવી વિગતો મળી રહી છે. તો, એકાદ સીટ પર બન્ને પક્ષો પર મહિલા ઉમેદવારને પણ આ વખતે ટીકીટ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.વલસાડ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં ગત 2012ના વિધાનસભા ઇલેક્શનમાં ત્રણ ભાજપને અને બે કોંગ્રેસને ફાળે ગઇ હતી, આ વખતે ભાજપે તમામ બેઠકો કબજે કરવાના ઓરતા સેવ્યાં છે. તો કોંગ્રેસે ભાજપના સપનાને સપનું જ રાખવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. જો કે હજુ સુધી બન્ને મોટા પક્ષોએ તેમના ઉમેદવારો જાહેર નથી કર્યાં, જે સંભવતઃ 14 નવેમ્બર બાદ જાહેર થશે. પરંતુ હાલ પાંચેય બેઠક પર ત્રણત્રણ ઉમેદવારોની પસંદગી થઇ છે, જેમાંથી સૌથી વધુ વર્ચસ્વવાળા ઉમેદવારને ચૂંટણી જંગમાં મેદાને ઉતારશે.

ચૂંટણી જંગના આ વખતના ધમાસાણમાં વલસાડ જિલ્લામાં ભાજપના ગત ટર્મના વિજેતા ભરતભાઇ પટેલ, વલસાડ પાલિકા પ્રમુખ સોનલબહેન સોલંકી અને બિપીનભાઇ પટેલનું નામ ચર્ચામાં છે. જેમાં ભરતભાઇ પટેલને રીપિટ કરી શકે અથવા તો ભાજપ વલસાડ જિલ્લા પ્રમુખના ખાસ ગણાતા સોનલબહેન સોલંકી પર પાર્ટી કળશ ઢોળી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.કોંગ્રેસમાં પણ વલસાડ બેઠક માટે વિજયભાઇ દેસાઇ, નરેન્દ્ર ટંડેલ અને પ્રકાશભાઇ પટેલનું નામ ટોચ પર છે. જેમાં વલસાડ બેઠક પર કોળી મતદારોનું વર્ચસ્વ હોય કોળી પટેલ ઉમેદવારને ટિકીટ આપે તેવી ચર્ચા ચાલી રહી છે.

પારડી વિધાનસભા માટે કનુભાઇ દેસાઇ, કિરણબેન પટેલ અને હાર્દિક શાહનું નામ ચર્ચામાં છે, જેમા કનુભાઇ સામે મતદારોની તેમજ કાર્યકરોની નારાજગી અનેકવખત છતી થઇ હોય આ વખતે કનુભાઇને જિલ્લાની મોટી જવાબદારી સોંપી આ બેઠક પર મહિલા ઉમેદવાર કિરણબહેન પટેલને ટિકીટ આપી શકે છે. જો કે પૂર્વ નગરપાલિકા પ્રમુખ હાર્દિક શાહ પણ સ્વચ્છ છબી ધરાવતા નેતા હોય પાર્ટી તેની પણ પસંદગી કરી શકે છે. જો કે આ સીટ પર આ વખતે મહિલા ઉમેદવારને મેદાને ઉતારે તેવી ચર્ચા વધુ જોરમાં છે.

કોંગ્રેસ તરફથી પારડી વિધાનસભા માટે બે નામો હોટ ફેવરિટ મનાઇ રહ્યા છે, જેમાં ખંડુભાઇ પટેલ અને ભરતભાઇ પટેલનું નામ ચર્ચામાં છે. જેમાં ભરતભાઇ પર પાર્ટી ધારાસભ્યના ઉમેદવાર તરીકેનો કળશ ઢોળી શકે છે, તેવી ચર્ચા મતદારોમાં ઉઠી રહી છે.

ઉમરગામ માટે ભાજપમાંથી રમણભાઇ પાટકર હોટ ફેવરીટ નેતા છે, પરંતુ તે સાથે અન્ય બે ઉમેદવારો પણ આ વખતે લાઇનમાં છે. જેમાં અનિતાબેન પટેલ અને દિપકભાઇ ચોપડીયાનું નામ ચર્ચાની એરણે છે. જો કે આ વિસ્તારમાં વારલી સમાજનું પ્રભુત્વ વધુ હોય રમણભાઇ પાટકર તેમના માનીતા નેતા છે. એટલે મતદારોને નારાજ નહી કરવા પાર્ટી રમણભાઇને રિપિટ કરે તેવી ચર્ચા ચાલી રહી છે. તો, આ સીટ પર પણ મહિલા ઉમેદવારની પસંદગી કરી રમણભાઇને પાર્ટી તરફથી મોટી જવાબદારી સોંપે તેવી ચર્ચા પણ તેજ બની છે.

કોંગ્રેસ તરફથી ઉમરગામ સીટ પર ભરતભાઈ ધોડી, નરેશભાઇ વળવી અને અશોકભાઇ ધોડીના નામની ચર્ચા ચાલી રહી છે, જેમાં વારલી મતદારોના પ્રભુત્વને જોતા નરેશભાઇ વળવીને કોંગ્રેસ પાર્ટી હોટ દાવેદાર માની ટીકીટ આપી શકે છે.

કપરાડા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ વર્ષોથી બરકરાર રહ્યુ છે અને જીતુભાઇ ચૌધરીના અનેક કાર્યો બોલતા હોય કોંગ્રેસ આ સીટ પર જીતુભાઇ ચૌધરીને જ રીપીટ કરે તેવી ચર્ચા જોરમાં છે અને એટલે અન્ય કોઇ દાવેદાર હાલ મેદાનમાં નથી જો કે આ રાજકારણ છે. એટલે છેલ્લી ઘડીએ પાર્ટીનો નિર્ણય અફર નિર્ણય ગણાશે.

કપરાડા નાનાપોંઢા બેઠક પર કબજો જમાવવા ભાજપે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે અને જીતુભાઇ ચૌધરીની સામે બળાબળના બળીયાને મેદાને ઉતારવા કવાયત હાથ ધરી છે. જેમાં સંભવિત નામ ગુલાબભાઇ રાઉતનું અને બાબુભાઈ રવઠાનું ચર્ચામાં છે. જેમાં ગુલાબભાઇ રાઉત પણ આ વિસ્તારના લોકપ્રિય નેતા હોય તેમનું નામ હોટ ફેવરીટ છે.

ધરમપુર બેઠક માટે કોંગ્રેસ તરફથી ઇશ્વરભાઇ પટેલ, જયશ્રીબેન પટેલ અને રમેશભાઇ પાડવી મેદાનમાં છે. જેમાં ઇશ્વરભાઇ પટેલનું નામ ચર્ચામાં છે અને પાર્ટી તેમના પર કળશ ઢોળશે તેવુ મતદારો માની રહ્યા છે. જ્યારે ધરમપુર માટે ભાજપમાંથી મહેન્દ્ર ચૌધરી, અરવિંદભાઇ પટેલ, અને ગણેશભાઇ બિરારીનું નામ સંભવિત ઉમેદવારોમાં છે. જેમાં સ્વચ્છ છબી ધરાવતા ગણેશભાઇ બિરારીનું નામ આ વખતે હાઇકમાન્ડ સિલેક્ટ કરે તેવી ચર્ચા છે. જે બાદ આખાબોલા નેતા ગણાતા મહેન્દ્રભાઇ ચૌધરીનું નામ પણ ચર્ચામા છે. તેમજ તેમનું વર્ચસ્વ પણ મતદારોમાં હોય પાર્ટી તેમને ટિકીટ આપી ઉમેદવાર જાહેર કરી શકે છે.

જો કે આ તમામ ઉમેદવારો હાલ તો સંભવિત ઉમેદવારોની યાદીમાં છે. પરંતુ 14 નવેમ્બર પછી આમાના ક્યા ઉમેદવાર પર પક્ષની પસંદગી કમિટી મહોર મારશે, તેના પર જિલ્લાના મતદારોની મીટ મંડાયેલી છે.