નોટબંધીએ 1 વર્ષમાં આમ કરી બતાવ્યુંઃ RBI રીપોર્ટ

અમદાવાદ- નોટબંધીની અસરરુપે ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું હોવાનું બેંકો દ્વારા જણાવાઇ રહ્યું છે. ગત વર્ષે નવેમ્બર-ડીસેમ્બરમાં નોટબંધી દરમિયાન ડિજિટલ પેમેન્ટ વધ્યું હતું. જોકે તે પછીના સમયગાળામાં સ્થિરતા આવી ગઇ છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા પ્રમાણે દેશમાં હાલના સમયમાં રોકડ પ્રવાહિતા 16.03 લાખ કરોડ રુપિયા છે. જે નોટબંધી પહેલાંના કુલ નાણાંપ્રવાહના 91 ટકા થાય છે.ગત વર્ષના નવેમ્બર કરતાં આ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 31 ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 87.7 કરોડ સુધી પહોંચી ગઇ હતી. જોકે રેકોર્ડની દ્રષ્ટિએ જોઇએ તો ગત ડીસેમ્બરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 100 કરોડ થઇ હતી તે રેકોર્ડ બરકરાર રહ્યો છે.

બેક ઓફિશિલ્સના જણાવ્યાં પ્રમાણે હાલમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા અંદાજે 180-190ની છે. નોર્મલ સંજોગોમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારીને 80-90 ટકા લઇ જવા માટે લગભગ 3 વર્ષનો સમય લાગ્યો હોત, જે નોટબંધીના કારણે એકદમ જ વધી શક્યો હતો. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ગ્રોથ હજુ પણ શરુઆતી તબક્કામાં છે અને આવનારા સમયમાં તેનું પ્રમાણ વધશે.બેંકોનું કહેવું છે કે બજારમાં રોકડનો પ્રવાહ નોટબંધી પહેલાં હતો એ સ્તરે પહોંચી રહ્યો છે, તેમ છતાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં ઘટાડો થયો નથી. જેથી કહી શકાય કે લોકોએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અપનાવી લીધું છે. લોકો વધુને વધુ ક્રેડિટ-ડેબિટ કાર્ડ વાપરી રહ્યાં છે ત્યાં એટીએમ ઉપયોગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આરબીઆઈના રીપોર્ટ મુજબ ઓગસ્ટમાં પીઓએસ ટ્રાન્સઝેક્શન 89 ટકા વધી 26.54 થયું છે જે ગત વર્ષના ઓક્ટોબરમાં 14.04 કરોડ હતું. આ દરમિયાન એટીએમ ટ્રાન્ઝેક્શન 10 ટકા ઘટી 71.63 ટકા આવી ગયું છે. જે પહેલાં 80.02 કરોડ હતું. ઓગસ્ટ સુધીમાં પીઓએસ ટર્મિનલ્સની સંખ્યા બેગણી વધી 29 લાખ પહોંચી છે જે ગત વર્ષના ઓક્ટોબરમાં 15 લાખ હતાં. વધુને વધુ કંપનીઓ પીઓએસ ટર્મિનલ્સ મૂકવા આગળ આવી રહી છે ત્યારે આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની વકી છે, તો ડોક્ટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ પણ તેમ કરી રહી છે. હવે ગામડાંઓમાં અને નાનાં શહેરોમાં પીઓએસની સંખ્યા વધારવા પર ધ્યાન આપવામાં આવશે.