નવી દિલ્હીઃ HP ઇન્કમાં નાણાકીય વર્ષ 2028 સુધીમાં 4000થી 6000 નોકરીઓમાં કાપ થવાની શક્યતા છે. HPના વિશ્વભરની ઓફિસોમાં આ જોબ કાપનો અમલ થવાની શક્યતા છે. કંપનીએ નવેમ્બર-ઓક્ટોબર આ નિર્ણય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવા અંગેની પોતાની યોજના અંતર્ગત લીધો છે. તેનો હેતુ ઓપરેશન્સ સરળ બનાવવાનો, પ્રોડક્ટ ડેવલપમેન્ટની ગતિ વધારવા, ગ્રાહક સંતોષ વધારવા અને પ્રોડક્ટિવિટી વધારવાનો છે. HPની પ્રોડક્ટ ડેવલપમેન્ટ, આંતરિક ઓપરેશન્સ અને કસ્ટમર સપોર્ટ સંબંધિત ટીમો પર જોબ કાપની સીધી અસર પડશે. કંપનીના CEO એનરિક લોરેસે મિડિયા બ્રિફિંગ કોલ દરમિયાન આ માહિતી આપી.
કઈ ટીમોમાંથી છટણી થશે
તેમણે જણાવ્યું હતું કે પ્રોડક્ટ ડેવલપમેન્ટ, આંતરિક ઓપરેશન્સ અને કસ્ટમર સપોર્ટ સાથે જોડાયેલી ટીમો આ છટણીથી સૌથી વધુ પ્રભાવિત થશે. લોરેસે કહ્યું હતું કે આ પહેલથી ત્રણ વર્ષમાં 1 અબજ ડોલરની બચત થવાની આશા છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ એક જાહેર કરાયેલા રિસ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ કંપનીએ 1000થી 2000 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કર્યા હતા. આ દરમિયાન AI આધારિત પર્સનલ કમ્પ્યુટર્સની માગ તેજીથી વધી રહી છે અને ચોથા ત્રિમાસિકમાં કંપનીની કુલ શિપમેન્ટમાં 30 ટકા કરતાં વધુ AI સક્ષમ PC હતાં. તેમણે જણાવ્યું હતું કે અમને આશા છે કે આ પહેલથી ત્રણ વર્ષમાં એક અબજ ડોલરની બચત થશે.
AI-PCની માગ સતત વધી
AI આધારિત PCની માગ ઝડપથી વધી રહી છે. 31 ઓક્ટોબર 2025એ પૂરા થયેલી ત્રિમાસિકમાં કંપનીના વેચાણમાં આ PCનો હિસ્સો 30 ટકાથી વધુ હતો. મોર્ગન સ્ટેન્લીના વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે ડેટા સેન્ટરોમાંથી વધતી માગને કારણે વિશ્વભરમાં મેમરી ચિપોના ભાવમાં તેજી આવી શકે છે. આથી HP, Dell અને Acer જેવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદકોના ખર્ચામાં વધારો થઈ શકે છે અને નફા પર દબાણ વધી શકે છે.




