નવી દિલ્હીઃ કોરોનાના પ્રકોપને લીધે સંસદનું મોન્સુન સત્ર એક ઓક્ટોબર પહેલાં પૂરું કરવા પર વિચાર થઈ રહ્યો છે. જોકે આ વિશે કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. સરકાર અને વિપક્ષમાં આ વિશે ચર્ચા થઈ છે. બે પ્રધાનો અને એક ભાજપ સંસદસભ્ય સત્ર દરમ્યાન કોરોના સંક્રમિત થયા પછી ચોમાસુ સત્રને સમય પહેલાં પૂરું કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સત્ર મંગળવાર અથવા બુધવારે પૂરું થાય
સંસદનું જારી સત્ર આગામી સપ્તાહમાં મંગળવાર અથવા બુધવારે પૂરું થાય એવી શક્યતા છે. ભાજપના સંસદસભ્ય વિનય સહસ્રબુદ્ધેએ રાજ્યસભામાં ભાષણ આપ્યું હતું. ત્યાર બાદ તેઓ કોરોના સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું હતું. જોકે સત્ર શરૂ થવા પહેલાં કરવામાં આવેલી તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ જ રીતે નીતિન ગડકરી અને પ્રહલાદ પટેલ પણ કોરોના પોઝિટિવ થયા છે.
નીતિન ગડકરી કોરોના સંક્રમિત
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ કોરોના સંક્રમિત થયા છે. એ પહેલાં ગૃહપ્રધાન અમિત શાહ સહિત કેટલાય કેન્દ્રીય પ્રધાન સંસદસભ્ય કોવિડ-19ની ચપેટમાં આવી ગયા છે. નીતિન ગડકરીએ લખ્યું હતું કે હું નબળાઈ અનુભવી રહ્યો છું અને ડોક્ટરથી સલાહ લીધી છે. મારા ચેકઅપ દરમ્યાન હું કોરોના સંક્રમિત થયો હોવાનું માલૂમ પડ્યું હતું. તમારા બધાના આશીર્વાદ અને શુભકામનાઓથી હું હાલ સ્વસ્થ છું. મેં મારી જાતને આઇસોલેટ કરી લીધી છે.
11 વટહુકમોને વિધેયક તરીકે પસાર કરી લેવાની ઇચ્છા
સંસદનું મોન્સુન સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. સત્રના પહેલા દિવસે લોકસભાની બેઠક સવારે નવ કલાકથી બપોરે એક કલાક સુધી થઈ. ત્યાર બાદ બપોરે ત્રણ કલાકથી સાંજે સાત કલાક સુધી બેઠક થતી રહી. આ સત્રમાં શનિવારે અને રવિવારે રજા નહીં હોય. મોન્સુન સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી થવાનું છે, જેમાં સરકાર બધા પક્ષોને વિશ્વાસમાં લેવા સિવાય 11 વટહુકમોને વિધેયક તરીકે પસાર કરી લેવા ઇચ્છે છે. લોકસભાએ કૃષિ સંબંધિત ત્રણ વિધેયકોને પસાર કરી દીધા છે. આ વિધેયકો વટહુકમોને સ્થાને લાવવામાં આવ્યા હતા. આ સિવાય સંસદસભ્યોના વેતનકાપથી સંબંધિત વટહુકમને પણ સંસદની મંજૂરી મળી ગઈ છે.