બેહાલ વિમાન સેવાઃ પ્રતિ વર્ષ 8000 ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હીઃ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઘરેલુ વિમાન બજાર છે, પણ ભારતીય એરલાઇન્સ હાલના દિવસોમાં સવાલોના ઘેરામાં છે. હાલમાં ઇન્ડિગો એરલાઇન્સના પાઇલટે એક યાત્રીને થપ્પડ મારી દીધી હતી, કેમ કે ફ્લાઇટ ધુમ્મસને કારણે 13 કલાકથી રનવે પર ઊભી હતી.

દેશમાં ફ્લાઇટથી પ્રવાસ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્ષ 2023માં ભારતમાં 15.2 કરોડથી વધુ પેસેન્જરોએ હવાઇ યાત્રા કરી હતી. નવેમ્બરમાં નવ ટકાનો વધારો થયો હતો અને મહિનામાં 1.27 કરોડ લોકોએ હવાઇ યાત્રા કરી હતી. વર્ષ 2023-24માં 37.1 કરોડ પ્રવાસીઓ અને 2024-25માં 41.2 કરોડ પ્રવાસીઓ હવાઈ યાત્રા કરે એવી શક્યતા છે. જોકે કેટલાય પ્રવાસીઓ એરલાઇન કંપનીઓની સર્વિસથી સંતુષ્ટ નથી. વધુ પ્રવાસી ભાડાં, ફ્લાઇટ રદ થવી, વિલંબ, માલસામાન ગુમાવવો કે તૂટવો, ફ્લાઇટ્સમાં ખાવાનું મોઘું અને કર્મચારીઓની ખરાબ વર્તણૂક જેવી ફરિયાદો થઈ રહી છે.

લોકલ સર્કલ્સએ હવાઇ યાત્રીઓનો અનુભવ જાણવા માટે એક સર્વે કર્યો હતો, જેમાં 284 જિલ્લાઓના 25,000થી વધુ યાત્રીઓએ સર્વેમાં ભાગ લીધો હતો.

આ સર્વેમાં 78 ટકા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી તેમને એક કે વધુ વખત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. બાકીના 22 ટકા કહ્યું હતું કે તેમને કોઈ સમસ્યા નથી થઈ. જોકે 10માંથી આઠ જણે કહ્યું હતું કે તેમને મુશ્કેલી થઈ હતી. ઉડ્ડયન રાજ્ય મંત્રી ડો. વી. કે. સિંહે રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2017 પછી અત્યાર સુધી 56,607 શેડ્યુલ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. એ કારણે યાત્રીઓને રૂ. 31.83 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આમ દર વર્ષે આશરે 8000 ફ્લાઇટ્સ રદ થાય છે.