લખનૌમાં 40 ઠાકોર વિધાનસભ્યોની બેઠકથી રાજકીય ગરમાવો

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના એક ફાઇવસ્ટાર હોટેલમાં 40 વિધાનસભ્યોની એક બેઠક મળી, જેને ‘કુટુંબ’ નામ અપાયું. આ બેઠકમાં સામેલ થયેલા મોટા ભાગના વિધાનસભ્યો ક્ષત્રિય સમાજના હતા. ક્ષત્રિય વિધાનસભ્યોની આ બેઠક માત્ર ખાવા-પીવા અને વાતચીત સુધી મર્યાદિત નહોતી, પરંતુ ‘કુટુંબ’ નામથી એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપમાં સત્તાધારી પક્ષ તેમ જ વિરોધ પક્ષના ઠાકોર વિધાનસભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.

ભાજપના વિધાન પરિષદ સભ્ય જયપાલ સિંહ વ્યસ્ત અને મોરાદાબાદની કુંદરકીથી વિધાનસભ્ય ઠાકોર રામવીર સિંહ તરફથી સોમવારે લખનૌના ક્લાર્ક અવધ હોટેલમાં ક્ષત્રિય વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. ભાજપ અને સમાજવાદી પાર્ટીના બાગી ક્ષત્રિય વિધાનસભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સિવાય એક-બે વિધાનસભ્યો બીજી જાતિના પણ હતા, પરંતુ ત્રણ ડઝન જેટલા ફક્ત ભાજપના ઠાકોર વિધાનસભ્યો હતા. સમાજવાદી પાર્ટીના બંને બાગી ક્ષત્રિય વિધાનસભ્યો પણ તેમાં સામેલ થયા હતા.

યુપીના ઠાકોર વિધાનસભ્યોની બેઠક અને તેને ‘કુટુંબ’ નામ આપવાના રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. ‘કુટુંબ’નો અર્થ પરિવાર થાય છે. ક્ષત્રિય વિધાનસભ્યોએ પોતાના વોટ્સએપ ગ્રુપનું નામ ‘કુટુંબ પરિવાર’ રાખ્યું છે, જેમાં ભાજપથી લઈને સપા અને બસપાના ક્ષત્રિય વિધાનસભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષના ઠાકોર વિધાનસભ્યોને એક મંચ પર લાવવાના પ્રયાસ રૂપે જોવામાં આવી રહ્યું છે.

રામજીની મૂર્તિ અને ત્રિશૂલ ભેટ

કુટુંબ પરિવારની બેઠકમાં સામેલ તમામ ઠાકોર વિધાનસભ્યોનું સન્માન કરવામાં આવ્યું. આ દરમિયાન તમામ વિધાનસભ્યોને ભેટરૂપે ભગવાન શ્રીરામની એક મૂર્તિ, મહારાણા પ્રતાપનું ચિત્ર અને પિત્તળનું એક મોટું ત્રિશૂલ આપવામાં આવ્યું. જોકે આ બેઠકમાં શું ચર્ચા થઈ તે ખુલાસો થઈ શક્યો નથી, પરંતુ આઠ વર્ષમાં આ ઠાકોર વિધાનસભ્યોની પહેલી બેઠક હતી.