ચંડીગઢઃ સાપનું ઝેર સપ્લાઈ કરવાના કેસમાં હરિયાણાનિવાસી યૂટ્યૂબર એલ્વિશ યાદવ સામે ઉત્તર પ્રદેશના નોઈડા શહેરની પોલીસે એફઆઈઆર ફરિયાદ નોંધી છે. આ સંદર્ભમાં હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે કેસની કાર્યવાહીમાં પોતાનો કોઈ પ્રભાવ નથી અને તપાસમાં જો એલ્વિશ ગુનેગાર જણાશે તો પોલીસ એની સામે પગલું ભરશે, એવું તેમણે ભારપૂર્વક કહ્યું છે. ‘અમારે આ કેસમાં કંઈ કહેવું નથી. જો એણે (એલ્વિશ યાદવે) કંઈ ખોટું કર્યું હશે તો એને સજા કરવામાં આવશે,’ એમ ખટ્ટરે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એલ્વિશ યાદવ ‘બિગ બોસ OTT-સીઝન 2’નો વિજેતા બન્યો છે. તેના પ્રશંસકો સાથેના મિલન સમારંભમાં ખટ્ટર મંચ પર હાજર રહ્યા હતા અને ઉક્ત શોમાં વિજેતા બનવા બદલ એમણે એલ્વિશને અભિનંદન આપ્યા હતા. ઘણા ઈન્ટરનેટ યૂઝર્સે આ માટે ખટ્ટરની ટીકા કરી છે. એલ્વિશ યાદવ ગઈ 18 ઓગસ્ટે ચંડીગઢમાં ખટ્ટરને એમના સત્તાવાર નિવાસસ્થાને મળવા ગયો હતો. ત્યારે ખટ્ટરે એને અભિનંદન આપ્યા હતા.
નોઈડા અને પડોશના હરિયાણાના ગુરુગ્રામ શહેરમાં યોજાતી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે સાપનું ઝેર સપ્લાઈ કરવા માટે કોબ્રા સહિતના સાપનું ઝેર સપ્લાઈ કરવાના આરોપસર પોલીસે એલ્વિશ યાદવ સહિત છ જણ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે આ કેસમાં પાંચ જણની ધરપકડ કરી છે. એલ્વિશ હજી ફરાર છે.
રેવ પાર્ટીઓ વાસ્તવમાં કેફી દ્રવ્યોના સેવન માટેની ગેરકાયદેસર ખાનગી મિજબાનીઓ (ઉજાણીઓ) હોય છે. તેમાં ભાગ લેનારાઓને સમય જતાં ભોગવવું પડે છે. આવી પાર્ટીઓમાં હાઈ પ્રોફાઈલ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે.
રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાઈ કરવાની પ્રવૃત્તિઓમાં પોતાની સંડોવણી હોવાનો એલ્વિશે અજ્ઞાત સ્થળેથી રિલીઝ કરેલા અંગત યૂટ્યૂબ વીડિયો નિવેદનમાં રદિયો આપ્યો છે અને કહ્યું છે કે જો આ કેસમાં પોતે સંડોવાયો છે એવું એને જણાશે તો એ પોલીસને શરણે આવી જશે.