મોદી મણિપુર, ત્રિપુરાની જનતાને આપશે વિકાસયોજનાઓની ભેટ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના ઈશાન ભાગના રાજ્યો – મણિપુર અને ત્રિપુરાની મુલાકાતે જશે અને ત્યાં અનેક જન વિકાસલક્ષી યોજનાઓ માટે આધારશીલા રાખશે. વડા પ્રધાન કાર્યાલય તરફથી જણાવાયું છે કે વડા પ્રધાન મણિપુરના પાટનગર ઈમ્ફાલમાં રૂ. 4,800 કરોડના ખર્ચવાળી કુલ 22 વિકાસયોજનાઓનું લોકાર્પણ કરશે અને ભૂમિપૂજન કરશે. મણિપુરમાં મોદી રૂ. 1,850 કરોડના ખર્ચવાળી 13 વિકાસયોજનાઓનું લોકાર્પણ કરશે તેમજ રૂ. 2,950 કરોડના ખર્ચવાળી 9 વિકાસયોજનાઓનો શિલાન્યાસ કરશે.

ત્રિપુરાના પાટનગર અગરતલામાં, વડા પ્રધાન મહારાજા બીર બિક્રમ એરપોર્ટ ખાતે નવા બાંધવામાં આવેલા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કરશે તથા બે મહત્ત્વની વિકાસયોજનાઓની આધારશીલા રાખશે. આ વિકાસ યોજનાઓમાં રસ્તાઓની પાયાની સુવિધાઓ, પીવાના પાણીનો પુરવઠો, આરોગ્ય સેવા, શહેરી વિકાસ, આવાસ, માહિતી ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ, કળા અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે.