મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે આવ્યા છે. સાંજે લગભગ 6.00 વાગ્યે એમણે બે મેટ્રો રેલવે લાઈન 2A (દહિસર પૂર્વથી અંધેરી પશ્ચિમ (ડીએન નગર) યેલો લાઈન) અને લાઈન 7 (દહિસર પૂર્વથી અંધેરી પૂર્વ – રેડ લાઈન)ની એક્સ્ટેન્શન લાઈનો અથવા ચરણ-2નું લોકાર્પણ કર્યું હતું. બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે આયોજિત કાર્યક્રમમાં એમણે રીમોટ કન્ટ્રોલની સ્વીચ દબાવીને બંને મેટ્રો ટ્રેન સેવાઓનું ઉદઘાટન કર્યું હતું. એ સમયે મંચ પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સહિત અનેક મહાનુભાવો હાજર હતા.
ઉક્ત બંને મેટ્રો લાઈન નાગરિકોને પ્રવાસ માટે આવતીકાલે સાંજથી ખુલ્લી મૂકવામાં આવશે.
વડા પ્રધાન મોદી આશરે રૂ. 38,800 કરોડના ખર્ચવાળી અનેક મહત્ત્વાકાંક્ષી વિકાસ યોજનાઓના લોકાર્પણ, ભૂમિપૂજન માટે મુંબઈની મુલાકાતે આવ્યા છે. એમને આવકારવા માટે શહેરના માર્ગો પર ઠેરઠેર વિશાળ કટઆઉટ મૂકવામાં આવ્યા છે. આ યોજનાઓ મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ ઓથોરિટી (MMRDA) તથા મુંબઈ મહાનગરપાલિકા હસ્તક-સંચાલિત છે. આ યોજનાઓના અમલ સાથે મહાનગરમાં વિકાસની ગતિ તેજ બનશે.
મોદીની મુલાકાતને ધ્યાનમાં લઈને તેઓ જે જે સ્થળોએ જવાના છે ત્યાં તથા એની આસપાસ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક ઠેકાણે નાકાબંધી કરી દેવામાં આવી છે જેથી અસામાજિક તત્ત્વો અંદર ઘૂસી ન આવે. તેમજ કડક ટ્રાફિક નિયમનો પણ અમલમાં મૂકી દેવામાં આવ્યા છે.
આ છે, નવી ખુલ્લી મૂકાયેલી બે મેટ્રો લાઈનના સ્ટેશનોના નામ તથા દરેક સ્ટેશનેથી ટિકિટભાડાની વિગત.
