નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અમુક સમય માટે એક હેકરનો શિકાર બની ગયું હતું. એકાઉન્ટમાં અમુક સમય માટે છેડછાડ કરવામાં આવી હતી. જોકે આ બાબતની જાણ માઈક્રોબ્લોગિંગ સાઈટને કરાયા બાદ એકાઉન્ટને આજે વહેલી સવારે તેને પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. આ જાણકારી વડા પ્રધાન કાર્યાલય દ્વારા એક નિવેદનમાં આપવામાં આવી છે. પીએમઓ તરફથી ટ્વિટર પર એક ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે વડા પ્રધાન મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ @narendramodi સાથે અમુક મામુલી સમય સુધી છેડછાડ કરવામાં આવી હતી. એ સમય દરમિયાન સત્તાવાર હેન્ડલ પરથી જે કોઈ ટ્વીટ કરાયા હતા તેની જાહેર જનતાએ અવગણના કરવી.
હેકરે તે સમય દરમિયાન અમુક ટ્વિટ્સ પોસ્ટ કર્યા હતા, એમાંના એકમાં બિટકોઈનના એક કૌભાંડની એક લિન્કનો પણ સમાવેશ થતો હતો. હેકરે તે ટ્વીટમાં આમ લખ્યું હતું: ‘ભારતે બિટકોઈનને કાયદેસર ચલણ તરીકે સત્તાવાર માન્યતા આપી છે. સરકારે પોતે 500 BTC ખરીદ્યા છે અને દેશના તમામ નાગરિકોને તેનું વિતરણ કરી રહી છે.’ આ ટ્વીટને જોકે હવે ડિલીટ કરી દેવામાં આવ્યું છે.