પાછલી સરકારોની લાપરવાહીને કારણે પ્રોજેક્ટ-ખર્ચ 100-ગણો વધ્યોઃ PM

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે છેલ્લાં 40 વર્ષોથી વિલંબિત સરયુ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું બલરામપુરમાં ઉદઘાટન કર્યું હતું. વડા પ્રધાને સરયુ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરતાં જ ગોંડા, બહારઇચ, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, બસ્તી, ગોરખપુર, મહારાજગંજ અને સંતકબીરનગરના ખેડૂતોના ચહેરા પર ચમક આવી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે દેશમાં 99 સિંચાઈના પ્રોજેક્ટો અધૂરા પડ્યા હતા,એમાંથી સરયુ નહેર પ્રોજેક્ટ પણ હતો. આમાં જેટલું કામ પાંચ દાયકામાં થયું હતું, એટલું કામ અમે પાંચ વર્ષની અંદર કરીને બતાડ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આશરે 50 વર્ષ પહેલાં આ યોજના પર કામ શરૂ થયું હતું, જેનું કામ આજે પૂરું થયું.જ્યારે આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું, ત્યારે એનો ખર્ચ રૂ. 100 કરોડની અંદર અંદાજવામાં આવ્યો હતો, પણ પહેલાંની સરકારોની લાપરવાહીને કારણે એના ખર્ચની 100 ગણા કિંમત દેશે ચૂકવવી પડી છે.

સરયુ નહેર પ્રોજેક્ટ 14 લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડશે અને આ વિસ્તારના 29 લાખ ખેડૂતોને એનો લાભ મળશે.

વડા પ્રધાને એક ટ્વીટમાં લખ્યું હતું કે તમને જાણીને આશ્ચર્ય થશે કે સરયુ નહેર પ્રોજેક્ટનું કામ 1978માં થરૂ થયું હતું પણ દાયકાઓએ એ પ્રોજેક્ટ પૂરો નહોતો થયો. બીજી બાજુ ખર્ચ પણ વધ્યો હતો અને લોકોને પણ ભારે હાલાકી થઈ હતી.