G7માં PM મોદી લેશે ભાગ, આવતી કાલેથી ઈટલી પ્રવાસે

દેશમાં રાજકિય હલચલો હવે થોડી ઓછી થઈ છે. જ્યારે દેશમાં ફરી NDA સરકારે સત્તા બનાવી છે. અને તમામ વિધાનસભા ચૂંટણી પૂરી થઈ છે. આ ઉપરાંત શપથ ગ્રહણ સમારોહ પણ પૂર્ણ થયા છે. ત્યારે કેન્દ્રની સરકાર ફરી મોટા મુદ્દા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ઈટાલીના પ્રવાસે જઈ રહ્યા છે.

G-7 સમિટનું PM મોદીને આમંત્રણ 

ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ PM મોદીને G-7 કોન્ફરન્સમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. PM મોદીએ પણ મેલોનીનું આમંત્રણ સ્વીકારી લીધું છે. 9 જૂને ત્રીજી વખત શપથ લીધા બાદ PM મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ હશે. વિદેશ સચિવ વિનય મોહને PM મોદીની ઈટલી મુલાકાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદી ઈટલીના વડાપ્રધાનના આમંત્રણ પર અપુલિયા જઈ રહ્યા છે. PM મોદી G-7ની 50મી કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સમિટ 14 જૂને ઈટાલીમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે ભારત G-7 જૂથનો ભાગ નથી. પરંતુ ઈટાલીએ ભારતને મહેમાન તરીકે આમંત્રણ મોકલ્યું છે. વિનય મોહને માહિતી શેર કરતા કહ્યું કે પીએમ મોદીનો તેમના ત્રીજા કાર્યકાળમાં આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. G-7 દેશો વચ્ચે ભારત અને ગ્લોબલ સાઉથના મુદ્દા ઉઠાવવાની આ સારી તક છે.

G-7 દેશોની યાદીમાં અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને ઈટાલીના નામ સામેલ છે. જોકે પહેલા આ જૂથને G-8 કહેવામાં આવતું હતું. રશિયા પણ આ જૂથનો ભાગ હતો. પરંતુ 2014માં રશિયાએ ક્રિમિયા પર કબજો કરી લીધો હતો. આવી સ્થિતિમાં રશિયા વિરૂદ્ધ કાર્યવાહી કરીને તેને ગ્રૂપમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી તેને G-7 કહેવામાં આવે છે.