નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશભરમાં ‘ગતિશક્તિ’ માસ્ટર પ્લાનનો શુભારંભ કરવાના છે. આ માસ્ટર યોજના દેશભરમાં સરકારી વર્ક કલ્ચરમાં ધરમૂળથી પરિવર્તન લાવશે. માળખાકીય-વિકાસના કાર્યોમાં ઝડપ લાવશે. એને પગલે સરકારી કચેરીઓ વધારે કાર્યકુશળ બનશે.
આ માસ્ટર પ્લાન અંતર્ગત કેન્દ્ર સરકારના 16 વિભાગોને સાંકળી લેવામાં આવ્યા છે. તેઓ સાથે મળીને ગતિશક્તિ યોજના અંતર્ગત કામ કરશે. આમાં રેલવે, પેટ્રોલિયમ, ઊર્જા, મુલ્કી ઉડ્ડયન, સડક પરિવહન, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ટેક્સ્ટાઈલ, જેવા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંત્રાલયોના જે પ્રોજેક્ટ દેશમાં ચાલતા હશે એ બધાયને ગતિશક્તિ યોજનામાં જોડી દેવામાં આવશે જેથી યોજનાઓનું કામકાજ ઝડપી બનશે. આ યોજનાનો ઉદ્દેશ્ય તમામ વિભાગોમાં તાલમેલ લાવીને વિકાસના કાર્યોને ઝડપથી પૂરા કરવાનો છે.
દેશમાં એવા ઘણાં પ્રોજેક્ટ છે જે માટે ઘણી વાર બીજા વિભાગોની મંજૂરીની જરૂર પડતી હોય છે. એ મંજૂરી ન મળતાં કામ અટકી જતું હોય છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતા અંતર્ગત આ સમસ્યાનો અંત લાવવા એક સિંગલ-વિન્ડો સિસ્ટમ બનાવવામાં આવી છે. તમામ સંબંધિત વિભાગો વચ્ચે સમન્વય રહેશે. મતલબ કે હવે વિકાસના કાર્ય માટે રસ્તાઓ વારંવાર ખોદવામાં નહીં આવે. સંબંધિત વિભાગોની મંજૂરીઓ તાત્કાલિક રીતે મેળવીને કામકાજ ઝડપથી પૂરું કરવામાં આવશે.