નવી દિલ્હીઃ અમેરિકાની ચાર-દિવસની યાત્રા સફળતાપૂર્વક સમાપ્ત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વદેશાગમન કરશે. તેઓ એમની સાથે પ્રાચીન સમયની એવી 157 ભારતીય ચીજવસ્તુઓ પરત લાવી રહ્યા છે જે એમને અમેરિકાના વહીવટીતંત્રએ સુપરત કરી છે. આ ચીજવસ્તુઓની ભૂતકાળમાં ચોરી કરીને અથવા ગેરકાયદેસર વ્યાપાર દ્વારા અમેરિકા લઈ જવામાં આવી હતી.
ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને શોભાવતી, ઐતિહાસિક મૂલ્યો ધરાવતી આ પ્રાચીન કલાકૃતિઓ અને પૂર્વાવશેષોમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મને લગતી મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓ ધાતુ, પથ્થર અને ટેરાકોટાની બનેલી છે. કાંસ્યની વસ્તુઓમાં લક્ષ્મી નારાયણ, બુદ્ધ, વિષ્ણુ, શિવ પાર્વતી અને 24 જૈન તીર્થંકરોની પ્રતિમાઓનો પણ સમાવેશ થાય છે. આ 157 કલાકૃતિઓ-મૂર્તિઓમાં 60 હિન્દુ ધર્મની, 16 બૌદ્ધ ધર્મની, 9 જૈન ધર્મની છે. બૌદ્ધ મૂર્તિ 6ઠ્ઠી સદીની છે. નટરાજની કાંસ્યની મૂર્તિ 8.5 સે.મી. ઊંચી છે અને 12મી સદીની છે. આ બધા યાદગાર સામાન સાથે વડા પ્રધાન મોદી જોન એફ. કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી સ્વદેશ આવવા રવાના થયા હતા. આ પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરવા બદલ મોદીએ અમેરિકાની સરકારનો આભાર માન્યો છે.
