UNSCમાં ભારતને કાયમી સભ્યપદ, NSGમાં પ્રવેશને અમેરિકાનો ટેકો

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે મહત્ત્વની બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ, કોરોના, ક્વોડ સહિત તમામ મુદ્દાઓ પર લાંબી ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપ્રમુખ બાઇડને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાયી સભ્યપદ અને પરમાણુ ગ્રુપ (NSG)માં ભારતમાં સામેલ થવા માટે તેમણે ટેકો આપ્યો હતો. વડા પ્રધાન મોદીની જો બાઇડનના રાષ્ટ્રપતિ બન્યા પછી તેમની સાથે પહેલી બેઠક હતી. વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓની બેઠક પછી જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ બાઇડને વડા પ્રધાન મોદીની સાથે બેઠકમાં ઓગસ્ટ, 2021માં સુરક્ષા પરિષદની નવી દિલ્હી દ્વારા કરવામાં આવેલી અધ્યક્ષતામાં ભારતના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરી હતી.

એમાં કહેવામાં આવ્યું હતું કે આ પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્રપતિ બાઇડને સુધારાયુક્ત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતનું કાયમી સભ્યપદ તથા અન્ય દેશો માટે અમેરિકાનો ટેકો આપ્યો હતો, જે બહુપક્ષી સહયોગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા તથા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યની આકાંક્ષા રાખે છે.

સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની સાથેની બેઠકમાં રાષ્ટ્રપ્રમુખ બાઇડને પરમાણું ગ્રુપમાં ભારતના પ્રવેશ પ્રતિ પણ અમેરિકાને ટેકો આપ્યો હતો.