PM મોદીએ 23000 કરોડના સમુદ્રી પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ મુંબઈના MMRDA ગ્રાઉન્ડમાં આયોજિત થયેલા ત્રીજા વૈશ્વિક સમુદ્રી ભારત શિખર સંમેલન-2023નું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ હતું. આ સૌથી મોટા સમુદ્રી કાર્યક્રમનું આયોજન, જળમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન રૂ. 23,000 કરોડના સમુદ્રી પ્રોજેક્ટોનો પ્રારંભ કર્યો હતો અને એ સાથે બ્લુ ઇકોનોમી માટે લોન્ગ ટર્મ વિઝન ડોક્યુમેન્ટ જારી કર્યું હતું.

આમાં પોર્ટની સુવિધાઓમાં વધારો, ટુરિઝમ, આંતરરાષ્ટ્રીય સહયોગને સુવિધાજનક બનાવવાના હેતુથી વ્યૂહાત્મક પહેલની રૂપરેખા તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે આ બ્લુ ઇકોનોમી માટે રૂ. 23,000 કરોડથી વધુના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અથવા શિલાન્યાસ કર્યો હતો.આ શિખર સંમેલનમાં ભવિષ્યના પોર્ટ સહિત સમુદ્ર ક્ષેત્રથી જોડાયેલા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે આંતરદેશીય જળ પ્રોજેક્ટ, સબમરીન, નાણાં, સમુદ્રી પર્યટન વગેરે મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ સમુદ્રી ક્ષેત્રમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ભાગીદારી માટે આશરે રૂ. 7.16 લાખ કરોડના 300થી વધુ સમજૂતી કરાર (MoU) પણ કર્યા છે. આ શિખર સંમેલનમાં યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયા (મધ્ય એશિયા, મધ્ય-પૂર્વ અને બિમ્સટેક ક્ષેત્ર સહિત)ના વિવિધ દેશોના મંત્રી ભાગ લેશે. આ શિખર સંમેલનમાં કેટલાંય રાજ્યોનું પણ પ્રતિનિધિત્વ હશે.