નવી દિલ્હીઃ ભારત દેશે તેની આઝાદીના 75 વર્ષ પૂરા કરીને 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે 76મા ‘સ્વાતંત્ર્ય દિન’ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય તિરંગો ફરકાવ્યો હતો અને ત્યારબાદ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે એમણે અનેક મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા હતા. એમણે કહ્યું કે, ‘ભારત લોકશાહીની જનેતા છે.’
વડા પ્રધાન તરીકે લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રને સંબોધન કરવાનો અવસર નરેન્દ્ર મોદીને આ 9મી વખત પ્રાપ્ત થયો છે. એમણે પોતાના સંબોધનમાં દેશવાસીઓને વિનંતી કરી હતી કે 25 વર્ષ પછી આપણો દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે, સુવર્ણ જયંતી ઉજવશે. અમૃત કાળ નિમિત્તે પાંચ પ્રણ લઈએઃ દેશને વિકસીત રાષ્ટ્ર બનાવવાનું ધ્યેય સિદ્ધ કરીશું, ગુલામીની માનસિકતાના પ્રત્યેક અંશને દૂર કરીશું, આપણા ભવ્ય વારસા પ્રતિ ગર્વ કરીશું, એકતા જાળવીશું અને નાગરિકો તરીકેની આપણી ફરજોનું ભાન રાખીશું.
મોદીએ વધુમાં કહ્યું કે, હું મારી એક વેદના જણાવ્યા વિના રહી શકું એમ નથી. હું મારું આ દુઃખ કોને કહું, દેશવાસીઓને નહીં કહું તો બીજા કોને કહીશ? આપણામાં એક એવી વિકૃતિ આવી છે કે આપણે સ્ત્રીઓનું અપમાન કરીએ છીએ. આપણે આપણા રોજિંદા જીવનમાં આપણા સ્વભાવથી, સંસ્કારથી સ્ત્રીઓનું અપમાન કરતી વૃત્તિ અને બાબતોથી સ્વયંને મુક્ત કરવાનો સંકલ્પ કરવો જોઈએ. નારીઓનું સમ્માન ભારતના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. આપણે આપણી નારીશક્તિનું સમર્થન કરવાની જરૂર છે.
લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદીએ કરેલા ભાષણના મુખ્ય અંશઃ
- ભ્રષ્ટાચારનું દૂષણ દેશને ઉધઈની માફક ખાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર પ્રતિ આપણને નફરત પેદા થવી જ જોઈએ.
- રાજકીય ક્ષેત્રના પરિવારવાદ-ભાઈભત્રીજાવાદ દૂષણે દેશના પ્રત્યેક સંસ્થાનમાં પરિવારવાદને પોષણ આપ્યું છે.
- અમૃત કાળ માટે આની આવશ્યક્તા છેઃ જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાન
- આત્મનિર્ભર ભારત એ માત્ર સરકારી એજન્ડા કે સરકારી કાર્યક્રમ નથી, એ સમાજનું જનઆંદોલન છે, જેને આપણે આગળ વધારવાનું છે.
- ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓનો ઉપાય આપણી પાસે છે. આપણી પાસે એવી વિરાસત છે જે આપણને આપણા પૂર્વજો આપી ગયા છે
- શેરડીમાંથી કાઢવામાં આવેલા 10 ટકા ઈથેનોલનું પેટ્રોલમાં મિશ્રણ કરવાના ટાર્ગેટને ભારત દેશે નિયત સમય કરતાં પહેલાં હાંસલ કરી બતાવ્યો છે.
- ડિજિટલ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ્સની સફળતા આપણી નજર સમક્ષ છે.
- શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓને કારણે સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
- આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરે હું દેશવાસીઓને અભિનંદન આપું છું, શુભકામના. દુનિયાભરમાં ફેલાયેલા ભારતપ્રેમીઓ, ભારતીયોને પણ આઝાદીના આ અમૃત મહોત્સવના ખૂબ ખૂબ અભિનંદન આપું છું.