સુપ્રીમ ચૂકાદોઃ ન કોઈની હાર કે ન કોઇની જીત, કોણે શું પ્રતિક્રયા આપી?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે રામ મંદિર મામલે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને કહ્યું કે દેશના સર્વોચ્ચ ન્યાયાલયે અયોધ્યા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણયને કોઈનીપણ હાર કે જીતના રુપમાં ન જોવો જોઈએ. રામભક્તિ હોય કે રહીમ ભક્તિ, આ સમય આપણા બધા લોકો માટે ભારત ભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશવાસીઓને મારી અપીલ છે કે શાંતિ, સદ્ભાવ અને એકતા બનાવી રાખો.

એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઘણા કારણોથી મહત્વપૂર્ણ છે. આ દર્શાવે છે કે કોઈપણ વિવાદના સમાધાન માટે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કેટલું મહત્વનું છે. દરેક પક્ષને પોત-પોતાની દલીલ રજૂ કરવા માટે પર્યાપ્ત સમય અને તક આપવામાં આવી.  

ન્યાયના મંદિરે દશકો જૂના મામલે સૌહાદપૂર્ણ રીતે સમાધાન કરી દીધું છે. આ નિર્ણય ન્યાયિક પ્રક્રિયાઓમાં જન સામાન્યના વિશ્વાસને વધારે મજબૂત કરશે. આપણા દેશની હજારો વર્ષ જૂની ભાઈચારાની ભાવનાને અનુરુપ આપણે 130 કરોડ ભારતીયોને શાંતિ અને સંયમનો પરિચય આપવાનો છે. ભારતના શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વની સહજ ભાવનાનો પરિચય આપવાનો છે.

વડાપ્રધાન મોદી સીવાય ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે અયોધ્યા પર આવેલા નિર્ણયને લઈને ટ્વીટ કર્યા. તેમણે કહ્યું કે રામ જન્મભૂમિ પર સર્વસંમતિથી આવેલા સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનું હું સ્વાગત કરું છું. હું તમામ સમુદાયો અને ધર્મના લોકોને અપીલ કરું છું કે આપણે આ નિર્ણયને સહજતાથી સ્વીકારતા શાંતિ અને સૌહાર્દથી પરિપૂર્ણ એક ભારત-શ્રેષ્ઠ ભારતના પોતાના સંકલ્પ પ્રત્યે કટિબદ્ધ રહીએ. એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું કે દશકોથી ચાલ્યા આવી રહેલા શ્રી રામ જન્મભૂમિના કાયદાકીય વિવાદને આજે આ નિર્ણયથી અંતિમ રુપ મળ્યું છે. હું ભારતની ન્યાય પ્રણાલી અને તમામ ન્યાયમૂર્તિઓનું અભિનંદન કરું છું.

નિર્ણય બાદ રાજનેતાઓએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. અરવિંદ કેજરીવાલ, ઉમાભારતી, નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ સહિત ઘણા નેતાઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન અને લોકોને ભાઈચારાની ભાવના બનાવી રાખવા માટે કહ્યું છે. 5 જજોની બેંચે 16 ઓક્ટોબરના રોજ આ મામલે સુનાવણી પૂર્ણ કરી હતી. સંવિધાન પીઠના અન્ય સદસ્યોમાં ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય વાય ચન્દ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર પણ શામિલ છે. ટ્વીટર પર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોઈએ કંઈ જ ખોયુ નથી. શાંતિ બનાવી રાખો. હું તમામ નાગરિકોને અપિલ કરું છું કે ભાઈચારાની ભાવના રાખવાની છે. આ કોઈ પાર્ટી વિશેષની વાત નથી.

રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટના આ નિર્ણયનું સન્માન કરતા આપણે એકબીજા સાથે સદ્ભાવની ભાવના બનાવી રાખવાની છે. આ સમય બધા ભારતીયો વચ્ચે બંધુત્વ, વિશ્વાસ અને પ્રેમનો છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિર પર આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે. તમામ લોકોએ નિર્ણયનો સ્વિકાર કર્યો છે. તેમણે કહ્યું કે આજના દિવસે હું બાલ ઠાકરે અને અશોક સિંઘલને યાદ કરી રહ્યો છું, આ સાથે ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે, તેઓ 24 નવેમ્બરે અયોધ્યા જશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સર્વોચ્ય અદાલતના પાંચ ન્યાયધીશોએ અયોધ્યા રામ મંદિર અંગે આપેલા ચુકાદાને આવકારતા તેનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા છે. વિજય રૂપાણીએ આ ચુકાદા અંગેની પ્રતિક્રિયા આપતા કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો તે પ્રશ્નના સંદર્ભમાં કોર્ટે ચુકાદો આપીને પ્રશ્નનો કાયમી અંત લાવી દીધો છે. મુખ્યમંત્રીએ એવી પણ અપેક્ષા વ્યક્ત કરી કે દેશ અને ગુજરાતની તમામ સંસ્થાઓ લોકો આ નિર્ણયને સ્વીકારીને દેશની એકતા અખંડિતતા વધુ મજબૂત કરશે. તેમણે  રાજ્યના તમામ ધર્મના લોકો નાગરિકોને અપીલ પણ કરી છે કે અયોધ્યા રામ મંદિરના આ નિર્ણયના સંદર્ભમાં સહુ શાંતિ જાળવીએ અને એખલાસના વાતાવરણને વધુ મજબૂત બનાવીએ.

અયોધ્યા મુદ્દે ભારતની સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. તમામ પક્ષો, સમુદાયો અને નાગરિકોએ આ નિર્ણયનું સન્માન કરતા આપણી સદીઓથી ચાલી આવતી એકબીજા સાથે તાલમેલની સંસ્કૃતિને બનાવી રાખવી જોઈએ. આપણે બધા લોકોએ એક થઈને સોહાર્દ અને ભાઈચારાને મજબૂત કરવો પડશે.

અયોધ્યા પર આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સુન્ની વક્ફ બોર્ડના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું છે કે તેઓ નિર્ણયથી સંતુષ્ટ નથી. બોર્ડના વકીલ જફરયાબ જિલાનીએ કહ્યું કે કેટલાક ખોટા તથ્યો રજૂ કરવામાં આવ્યા છે. અમે તેની તપાસ કરીશું. સુપ્રીમ કોર્ટના નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ. આખા દેશે અત્યારે શાંતિ બનાવી રાખવી જોઈએ. જિલાનીએ કહ્યું કે, નિર્ણય અમને બાબરી મસ્જિદ નથી આપતો, જે અમારી દ્રષ્ટીએ ખોટું છે. અમારા માટે જમીનનો કોઈ મતલબ નથી. અમે નિર્ણયથી જરા પણ સંતુષ્ટ નથી. અમે નાગરિકોને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરીએ છીએ. આ મામલે પુનર્વિચાર અરજી રજૂ કરવા માટે પણ વિચાર કરવામાં આવશે. અયોધ્યા ભૂમિ વિવાદને લઈને પાંચ જજોની પીઠે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો.