ચૂકાદાનો ખુલ્લા દિલે સ્વીકાર એ આપણી પરંપરાઃ નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશને સંબોધિત કર્યો હતો. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રથમવાર વડાપ્રધાને દેશને સંબોધિત કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અયોધ્યા પર કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે, તેની પાછળ સેંકડો વર્ષોનો એક ઈતિહાસ રહ્યો છે. આખા દેશની એ ઈચ્છા શક્તિ હતી કે આ મામલે કોર્ટમાં રોજ સુનાવણી થાય. અને આજે નિર્ણય આવી ચૂક્યો છે. દશકો સુધી ચાલેલી ન્યાય પ્રક્રિયાનું આજે સમાપન થયું છે. આખી દુનિયા માને છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. નિર્ણય આવ્યા બાદ જે પ્રકારે દરેક વર્ગના લોકોએ ખુલ્લા દિલથી આનો સ્વીકાર કર્યો છે, તે ભારતની પરંપરા દર્શાવે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અયોધ્યા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બધાને સાંભળ્યા. દેશ માટે ખુશીની વાત એ છે કે નિર્ણય સર્વ સંમતિથી આવ્યો. પરિવારમાં નાના મામલાનું સમાધાન લાવવું હોય તો પણ સમસ્યાઓ અનેક સામે આવે છે. આજે 9 નવેમ્બર છે. આ એ તારીખ છે કે જ્યારે બર્લિનની દિવાલ તૂટી હતી. બે વિપરિત ધારાઓએ એકજુટ થઈને સંકલ્પ લીધો હતો. આજે 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરની શરુઆત થઈ છે. આમાં ભારત અને પાકિસ્તાન બંન્નેનું યોગદાન રહ્યું છે. આ તારીખ આપણને સહુને સાથે રહીને આગળ વધવાનો સંદેશ આપી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની તારીખ એપણ સંદેશ આપે છે કે કડવાશને કોઈ સ્થાન નથી. દરેક સ્થિતીમાં ધૈર્ય બનાવી રાખવું જરુરી છે. કોર્ટનો આ નિર્ણય આપણા માટે નવી સવાર લઈને આવ્યો છે. આ વિવાદની ઘણી પેઢીઓ પર અસર પડી છે. પરંતુ આપણે હવે સંકલ્પ લેવો પડશે કે આપણે નવા ભારતનું નિર્માણ કરીએ. આપણે બધાને સાથે લઈને, બધાનો વિશ્વાસ પ્રાપ્ત કરતા આગળ વધવાનું છે. રામ મંદિરના નિર્માણનો નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે. હવે દેશના દરેક નાગરિક પર રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધારે વધી ગઈ છે.

આ પહેલા વડાપ્રધા મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઈની હાર-જીત નહી હોય. દેશવાસીઓને મારી અપીલ છે કે આપણા બધાની એ પ્રાથમિકતા રહે કે નિર્ણય ભારતની શાંતિ, એકતા અને સદભાવની મહાન પરંપરાને વધારે બળ આપે.