PM મોદીએ વારાણસીને રૂ. 700 કરોડની દિવાળી ગિફ્ટ આપી

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીને સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીને દિવાળીએ કરોડો રૂપિયાની ભેટ આપી છે. વડા પ્રધાને વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા આશરે રૂ. 700 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કાશીમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, એ બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે. હવે કાશી આરોગ્ય સુવિધાનું હબ બની રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. વોકલ માટે લોકલ બનવા અપીલ

હવે કાશી આરોગ્ય સુવિધાનું હબ બની રહ્યું છે. કાશીએ મેં જે માગ્યું છે, મને મન ભરીને આપ્યું છે, પણ મેં મારા માટે કંઈ નથી માગ્યું. હું અપીલ કરું છું કે તમે લોકલ સામાનનો જ પ્રયોગ કરો. માત્ર દીવા ખરીદવા એ જ લોકલ નથી,એમ તેમણે કહ્યું હતું.

કોરોના કાળમાં પણ કાશી અટકી નથી, સતત કામ જારી છે, યુપીમાં કોરોના કાળમાં પણ વિકાસ કાર્ય અટક્યું નથી. એટલા માટે યોગીજીની ટીમને બહુ અભિનંદન. વારાણસીમાં શહેર-દેહાતની વિકાસ યોજનાઓમાં સંસ્કૃતિ-આધુનિકતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

સ્થાનિક રોજગાર વધશે

કાશીમાં હવે ઘાટોની તસવીર બદલાઈ રહી છે, જે યોજનાઓનો પ્રારંભ થઈ રહ્યો છે, એનાથી સ્થાનિક રોજગાર વધશે, ગામ, ગરીબ અને ખેડૂત આત્મનિર્ભર ઝુંબેશના સૌથી મોટા સ્તંભ અને લાભાર્થી છે. હાલમાં જે કૃષિ સુધારો થયો છે, એનાથી ખેડૂતોને સીધો લાભ થવાનો છે. ખેડૂતોના નામ પર ખેડૂતોની મહેનત હડપ કરનારા વચેટિયાઓની સિસ્ટમને દૂર કરવામાં આવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

કાશીમાં મોટી સમસ્યા લટકતા વીજળીના તારોની છે, પણ આજે કાશીનું એક મોટું ક્ષેત્ર એનાથી મુક્ત થયું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પહેલાં અહીં 12 ફ્લાઇટ ચાલતી હતી, પણ હવે ચાર ગણ ફ્લાઇટ ચાલે છે. કાશીના ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરના વિકાસમાં અહીં રહેતા અને બહારથી આવતા લોકોને લાભ થઈ રહ્યો છે.

ગામમાં રહેતા લોકોને ગામની જમીન, ગામનું ઘર, કાનૂની અધિકાર આપવા માટે સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. ગામોમાં ઘર-મકાનને લઈને જે વિવાદ થતા હતા, આ યોજનાથી મળેલા પ્રોપર્ટી કાર્ડ પછી એની ગુંજાઇશ નહીં રહે, એમ તેમણે કહ્યું હતું.