CWG 2022માં ભાગ લેનારા જૂથને PM મોદી મળ્યા

વી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બર્મિંગહેમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં  મેડલ જીતનાર ખેલાડીઓ સાથે પોતાના સરકારી નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ સૌપ્રથમ વાર છે કે વડા પ્રધાને બર્મિંગહેમમાં શાનદાર પ્રદર્શન કરનારા કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓની સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુર અને સ્પોર્ટ્સ રાજ્યપ્રધાન નિશિથ પ્રમાણિક પણ હાજર હતા.

વડા પ્રધાને ખેલાડીઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે મને ખુશી છે કે તમે બધા પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પરિવારના સદસ્યોના રૂપમાં મારા નિવાસસ્થાને મને મળવા આવ્યા. હું બધા ભારતીયો તરફથી તમારી સાથે વાત કરીને ગર્વ અનુભવી રહ્યો છું. હું તમારા બધાનું સ્વાગત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે રાતભર દેશના લોકોની તમારી પર નજર હતી. તમે ત્યાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા હતા.

 

તેમણે કહ્યું હતું કે ઘણી રમતોના ખેલાડી ભલે મેડલ ના જીતી શક્યા હોય પણ તેમણે શાનદાર લડાઈ લડી. આવનાર સમયમાં આપણે તેમાં મેડલ જરૂર જીતીશું. પુરુષ અને મહિલા હોકી બન્નેમાં ટીમોએ મેડલ જીત્યો છે. તે જૂનો દબદબો પાછો ફર્યો છે. બન્ને ટીમોને અભિનંદન.

તેમણે કહ્યું હતું કે ગર્વની વાત છે કે તમારી મહેનત અને પ્રેરણાદાયી ઉપલબ્ધિથી દેશ આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ કરી રહ્યો છે. છેલ્લાં કેટલાંક સપ્તાહથી રાષ્ટ્રના ખેલના ક્ષેત્રમાં બે પ્રમુખ ઉપલબ્ધિઓ નોંધાવી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન સિવાય દેશે પ્રથમ વખત ચેસ ઓલંપિયાડની યજમાની કરી હતી.

તેમણે ભારતીય દળને કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ શરૂ થતાં પહેલાં મેં તમને કહ્યું હતું કે અને તમને એક પ્રકારનો વાયદો કર્યો હતો કે જ્યારે તમે પાછા ફરશો તો આપણે એકસાથે વિજયોત્સવ મનાવીશું. મને વિશ્વાસ હતો કે તમે જીતીને પાછા ફરશો. મેં વિચાર કર્યો હતો કે હું ભલે ગમેતેટલો પણ વ્યસ્ત રહું તમને જરૂર મળીશ અને વિજયોત્સવ મનાવીશ.