સમગ્ર દેશ એક થઈને આજે જવાનોની સાથે ઉભો છે: PM મોદી

નવી દિલ્હી- ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા જતા તણાવ અને ટકરાવ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને એકજૂથ રહેવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે, દેશની ભાવના એક અલગ સ્તર પર છે. દેશના જવાનો સરહદ અને સરહદની પેલી પાર પણ તેમનું પરાક્રમ બતાવી રહ્યાં છે. સમગ્ર દેશ આજે એક થઈને દેશના જવાનોની સાથે ઉભો છે.

વિડિયો કોન્ફરન્સ મારફતે દેશભરના બીજેપી બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ આપણા સામુહિક વિલ પાવરને જોઈ રહી છે. આપણી સેનાના સામર્થ્ય પર અમને પૂર્ણ ભરોસો છે, માટે કંઈ પણ એવુ ન થાય કે, જેથી સેનાના મનોબળ પર આંચ આવે અથવા તો આપણા દુશ્મનોને આપણા પર આંગળી ચીંધવાની તક મળે. તે ધ્યાન રાખવુ ખુબજ જરૂરી છે.

વડાપ્રધાને કહ્યું કે, દુશ્મનો ભારતને અસ્થિર કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. જ્યારે આતંકીઓ હુમલો કરે ત્યારે તેમનો એક ધ્યેય એ પણ હોય છે કે, આપણી પ્રગતિ રુંધાઈ જાય, આપણી ગતિ પર બ્રેક લાગી જાય. આતંકીઓના આ ઉદ્દેશ સામે દરેક ભારતીય નાગરીકે દિવાલ બનીને ઉભુ રહેવું પડશે.

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, દેશની સુરક્ષા અને સામર્થ્યના સંકલ્પ સાથે આપણા જવાનો સરહદ પર કામ કરી રહ્યાં છે. આપણે બધા પરાક્રમી ભારતના નાગરીકો છીએ, માટે આપણે બધાએ સિપાહી બનીને દેશની સમૃદ્ધિ અને સૌમ્યતા માટે દિવસ-રાત એક કરવી પડશે. આ આપણી પ્રથમ જવાબદારી છે. પરાક્રમી કદી પણ એવું નથી વિચારતા કે, બહુ થયું હવે ઊંઘી જાઓ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]