રેટિંગ મેળવનાર યુનિવર્સિટીઓ-કોલેજોને એવોર્ડ એનાયત કરાયા

અમદાવાદઃ શિક્ષણ વિભાગ દ્વારા ભારત સરકારના માનવ સંસાધન વિકાસ વિભાગની પહેલ સમાન નેશનલ ઈન્સ્ટીટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્કના પેરામીટર્સના આધારે ગુજરાત સ્ટેટ ઈન્સ્ટીટ્યુશન રેંકિંગ ફ્રેમવર્કનું શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રેટીંગ ફ્રેમવર્કના આયોજન પાછળનો મુખ્ય હેતુ રાજ્યની યુનિવર્સિટીઓ ગુણવત્તાના ધોરણો મુજબ સ્થાન પ્રાપ્ત કરે અને સમગ્ર દેશની યુનિવર્સિટીઓ સાથે હરિફાઈ કરે તેવો છે. ત્યારે આ કાર્યક્રમ રાજ્યની યુનિવર્સિટીઓની ગુણવત્તામાં તુલનાત્મક સુધારો લાવી શકશે તેવી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આશા વ્યક્ત કરી હતી. શીક્ષણ પ્રધાનના હસ્તે જે તે સ્ટાર પ્રાપ્ત કરેલ યૂનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટી કેટેગરીમાં 5 માંથી 4 સ્ટાર પ્રાપ્ત કરેલ 11 યુનિવર્સિટીમાં 4 સરકારી યુનિવર્સિટી, 4 સરકારી સેક્ટરલ યુનિવર્સિટી અને 3 પ્રાઈવેટ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. લો કેટેગરીમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીએ 3.78 સી.જી.પી.એ. અને 4 સ્ટાર પ્રાપ્ત કર્યા છે. જે ભાગ લીધેલી યુનિવર્સિટીમાં સૌથી વધારે છે. આ રેટિંગમાં 3.59 સી.જી.પી.એ અને 4 સ્ટાર સાથે સરકારી યુનિવર્સિટીઓમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો અને સરકારી યુનિવર્સિટી કેટેગરીમાં પ્રથમ ક્રમે છે. દ્વિતિય ક્રમે 3.58 સી.જી.પી.એ અને 4 સ્ટાર સાથે સરકાર પટેલ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 3.56 સી.જી.પી.એ અને 4 સ્ટાર સાથે તૃતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

કોલેજ કેટેગરીમાં સેન્ટ ઝેવિયર્સ અમદાવાદ 4.6 સી.જી.પી.એ અને 5 સ્ટાર સાથે કોલેજ કેટેગરીમાં પ્રથમ ક્રમે છે. એન્જિનિયરીંગ કેટેગરીમાં 2.48 સી.જી.પી.એ અને 3 સ્ટાર સાથે ચંદુભાઈ એસ.પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીનો અને ફાર્મસી કેટેગરીમાં 2.6 સી.જી.પી.એ અને 3 સ્ટાર સાથે એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીનો પ્રથમ ક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યની યુનિવર્સિટીઓના અથાગ પરિશ્રમના પરિણામે જેમ સ્ટાર્ટઅપ કક્ષાએ ગુજરાતની યુનિવર્સિટીઓએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમ ટીચીંગ, લર્નીંગ, અને રીસર્ચમાં પણ સમગ્ર દેશમાં આપણી યુનિવર્સિટીઓ અગ્રેસર બને તે દિશામાં આપણે ચોક્કસ લક્ષ્યાંક સાથે આગળ વધવું તે સમયનો તકાદો છે.

આ ત્રણે ક્ષેત્રોમાં ચોક્કસ પેરામીટર્સ અને ઈન્ડીકેટર્સ નક્કી કરીને પેરામીટર્સ અને ઈન્ડીકેટર્સ મુજબ ટીમ બનાવી તેમને જો લક્ષ્યાંક સોંપવામાં આવે અને નિશ્ચિત સમયમાં આ લક્ષ્યાંક પૂરુ કરવાનું આયોજન કરવામાં આવે તો સ્ટાર્ટઅપની જેમ ટીચીંગ, લર્નીંગ અને રીસર્ચમાં પણ ગુજરાતની યુનિવર્સિટીઓ પ્રથમ હરોળમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]