કોરોના વાઈરસના જોખમને કારણે પીએમ મોદી હોળી નહીં ઉજવે

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે કોરોના વાઈરસનો ફેલાવો થતો ટાળવા માટે સામૂહિક સભાઓનું આયોજન ઓછું કરવાની નિષ્ણાતોએ આપેલી સલાહને ધ્યાનમાં લઈને આ વખતે એક પણ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ ન લેવાનો પોતે નિર્ણય લીધો છે.

મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે COVID19 નોવેલ કોરોનાવાઈરસનો ફેલાવો ટાળવા માટે સામૂહિક સભાઓ અને કાર્યક્રમોની સંખ્યા ઓછી કરવાની વિશ્વભરમાં નિષ્ણાતોએ સલાહ આપી છે. તેથી આ વર્ષે મેં એક પણ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે.

હોળી ઉજવણી ન કરવાની ભાજપ પ્રમુખ નડ્ડાની પક્ષના એકમ-પ્રમુખોને સૂચના

દરમિયાન, કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ જાહેરાત કરી છે કે આ વર્ષે પોતે હોળી રમશે નહીં અને હોળી મિલન કાર્યક્રમનું આયોજન પણ નહીં કરે.

નડ્ડાએ ટ્વીટમાં જણાવ્યું છે કે આખું વિશ્વ હાલ COVID19 નોવેલ કોરોના વાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે. આ રોગચાળાનો ફેલાવો રોકવા માટે દેશોની સરકારો તથા તબીબી આલમ સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈને આ વર્ષે હું પણ હોળી રમીશ નહીં કે હોળી મિલન કાર્યક્રમનું આયોજન નહીં કરું. સુરક્ષિત રહો, તંદુરસ્ત રહો.

આ વર્ષે હોળીનો તહેવાર 9 માર્ચના સોમવારે છે જ્યારે રંગોથી રમાતો ધૂળેટીનો તહેવાર 10 માર્ચના મંગળવારે છે.

નડ્ડાએ ભાજપના તમામ રાજ્ય એકમોના પ્રમુખોને લેખિતમાં સૂચના આપી છે કે તેમણે કોરોના વાઈરસના ગભરાટને કારણે આ વખતે હોળી ઉજવણી કાર્યક્રમોનું આયોજન ન કરે.

અમિત શાહનો નિર્ણય

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યુ છે કે, હોળી આપણા ભારતીય લોકો માટે ખૂબ જ મહત્ત્વનો તહેવાર છે, પણ કોરોના વાઈરસને કારણે મેં નક્કી કર્યું છે કે આ વર્ષે કોઈ પણ હોળી મિલન ઉજવણી કાર્યક્રમમાં ભાગ ન લેવો. હું દરેક જણને અપીલ કરું છું કે જાહેર સભાઓ કરવાનું ટાળો અને તમારી તથા તમારા પરિવારજનોની સારી રીતે કાળજી લો.

કેજરીવાલ પણ હોળી નહીં રમે

એવી જ રીતે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કહ્યું છે કે કોરોના વાઈરસના ફેલાવા તથા દિલ્હીમાં અનેક જણનો ભોગ લેનાર તાજેતરમાં થયેલી હિંસાખોરીને કારણે પોતે આ વખતે હોળી તહેવારની ઉજવણી નહીં કરે. લોકો ઘણી વેદના ભોગવી રહ્યા છે તેથી હું કે અમારા કોઈ પણ પ્રધાન કે વિધાનસભ્ય આ વખતે હોળી તહેવાર નહીં ઉજવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]