ભારતીય નૌસેના દ્વારા ‘સી વિજિલ-21’નું આયોજન

નવી દિલ્હીઃ દેશમાં યોજાતી દ્વિવાર્ષિક સમુદ્રતટ સંરક્ષણ કવાયતના બીજા સંસ્કરણ ‘સી વિજિલ-21’નું આયોજન 12- 13 જાન્યુઆરી 2021એ કરવામાં આવશે. આ કવાયતમાં સંકલનનું કાર્ય ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતીય નૌસેના, તટરક્ષક દળ, કસ્ટમ્સ અને અન્ય સમુદ્રી એજન્સીઓની અસ્કયામતો ‘સી વિજિલ’માં ભાગ લેશે, જેની સુવિધા સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, જહાજ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, કસ્મ્ટસ, રાજ્ય સરકારો અને કેન્દ્ર-રાજ્યની અન્ય એજન્સીઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે.

આ કવાયતનું પ્રથમ સંસ્કરણ જાન્યુઆરી, 2019માં યોજવામાં આવ્યું હતું; આ કવાયત ભારતના સંપૂર્ણ 7516 કિમીના દરિયાકાંઠા વિસ્તારમાં યોજવામાં આવશે અને વિશેષ ઈકોનોમિક ઝોન પણ તેમાં આવરી લેવામાં આવશે. તેમાં દરિયાકાંઠાનાં તમામ 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમ જ માછીમાર સમુદાય અને દરિયાકાંઠાના સમુદાયો સહિત અન્ય સમુદ્રી હિતધારકો સામેલ રહેશે. સમુદ્રી માર્ગનો ઉપયોગ કરીને મુંબઈમાં 26/11 આતંકી હુમલો કરવામાં આવ્યો તે પછી સમગ્ર સમુદ્રકાંઠાની સુરક્ષાનું સેટઅપ ફરીથી તૈયાર કરવામાં આવ્યું છે.

ભૌગોલિક વિસ્તાર, સામેલ હિતધારકોની સંખ્યા, ભાગ લઈ રહેલા એકમો અને પૂરા કરવાના હેતુઓના સંદર્ભમાં આ કવાયતની વ્યાપકતા અને પરિકલ્પનાનું વિસ્તરણ અભૂતપૂર્વ છે. આ કવાયત મુખ્ય થિયેટર સ્તરની કવાયત TROPEX (થિયેટર સ્તર પૂર્વતૈયારી પરિચાલન કવાયત)ની જેમ તૈયાર કરવામાં આવી છે, જે ભારતીય નૌસેના દ્વારા દર બે વર્ષે યોજવામાં આવે છે. ‘સી વિજિલ’ અને TROPEX બંને સાથે મળીને સમુદ્રી સુરક્ષા સંબંધિત તમામ પ્રકારના પડકારો આવરી લેશે, જેમાં શાંતિથી સંઘર્ષ સુધીના પરિવર્તન સહિતની તમામ બાબતો આવરી લેવામાં આવી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]