નવી દિલ્હીઃ પેટ્રોલિયમપ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સ્થિર રહે છે તો ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાની સ્થિતિમાં હશે. તેમણે કહ્યું હતું કે ઓઇલ કંપનીઓના આગામી ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક રહેવાની સંભાવના છે. તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે કોઈ ઘોષણા કરવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં કિંમતો વિશે ફેરવિચારણા કરવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે ઓઇલ કંપનીઓને કેટલુંક નુકસાન કવર થયું છે. આ કંપનીઓએ કોર્પોરેટ જવાબદારી બહુ સારી રીતે નિભાવી છે. વડા પ્રધાન મોદીની આગેવાનીવાળી સરકારે 22 એપ્રિલથી ઓઇલની કિંમતોમાં વધારો નથી કર્યો. સરકાર આગળ પણ એ સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને મુશ્કેલીઓ ના નડે. તેમણે વિપક્ષ પર રેવડીના રાજકારણનો આરોપ લગાવતાં કહ્યું હતું કે કોઈ બધું મફત આપવાની રજૂઆત કરી શકે છે, પરંતુ આવામાં રેવડી કલ્ચર રાજકારણ માટે ખતરનાક છે.
તેમણે વિરોધ પક્ષો પર નિશાન સાધતાં કહ્યું હતું કે બિનભાજપી શાસિત રાજ્યો પેટ્રોલિયમની કિંમત મુદ્દે સૌથી વધુ અવાજ ઉઠાવે છે, પણ એ રાજ્યોમાં ભાજપ શાસિત રાજ્યોની તુલનાએ વધુ વેટ વસૂલવામાં આવે છે. વૈશ્વિક ક્રૂડ બજારમાં ક્રૂડની કિંમતોમાં કેટલાક મહિનાઓમાં ઘટાડાતરફી વલણ જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરથી 75 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે.