‘ચંદ્રયાન-3’ના વિજયની ખુશાલીમાં PETAએ ‘ઈસરો’ને મોકલી વીગન કેક

બેંગલુરુઃ ભારતના ‘ચંદ્રયાન-3’ અવકાશયાને ચંદ્ર ગ્રહની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને દેશે અવકાશ સંશોધન ક્ષેત્રે હાંસલ કરેલી ઐતિહાસિક સિદ્ધિની બીન-લાભકારી સંસ્થા પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA)એ અનોખી રીતે ઉજવણી કરી છે. તેણે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ને પ્રતીકાત્મક વીગન કેક મોકલી છે.

PETA ઈન્ડિયા સંસ્થાનાં ફેશન, મીડિયા, સેલિબ્રિટી પ્રોજેક્ટ્સ વિભાગનાં મેનેજર મોનિકા ચોપરાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાનને લેન્ડ કરાવનાર ભારત દુનિયાનો પહેલો દેશ બન્યો છે અને શાકાહાર ખાનારા લોકો પણ મૂળ ભારતનાં છે. આપણો દેશ દુનિયામાં સૌથી વધારે શાકાહારી વસ્તી ધરાવે છે.’

મોનિકા ચોપરાએ વધુમાં જણાવ્યું છે કે, ‘છેલ્લા 10 વર્ષમાં વીગન આહારશૈલી અપનાવનાર લોકોમાં 360 ટકાનો વધારો નોંધાયો છે. તેથી અમારે મન આ મોટા ગર્વની વાત છે.’