નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ જમ્મુ અને કશ્મીર પ્રદેશ નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK)માંથી લોકોની માગણી ઉઠશે કે તેઓ ભારતમાં જોડાઈ જવા ઈચ્છે છે.
રાજનાથ સિંહે ‘જમ્મુ અને કશ્મીર જન સંવાદ રેલી’ને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતી વખતે આમ જણાવ્યું હતું.
એમણે કહ્યું કે, ‘થોડીક રાહ જુઓ, પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરના લોકો ટૂંક સમયમાં જ માગણી કરશે કે તેઓ ભારતમાં જોડાઈ જવા માગે છે અને પાકિસ્તાનના શાસન હેઠળ રહેવા માગતા નથી. અને જે દિવસે આ હકીકત બનશે ત્યારે આપણી સંસદનું લક્ષ્ય સિદ્ધ થશે.’
રાજનાથ સિંહનું આ સંબોધન કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ દ્વારા યોજાતી શ્રેણીબદ્ધ વર્ચુઅલ મીટિંગોનો એક ભાગ હતું. આ મીટિંગો નરેન્દ્ર મોદી સરકારે શાસનની બીજી મુદતમાં પહેલું વર્ષ પૂરું કર્યું તે નિમિત્તે યોજવામાં આવે છે.