પવારની ભવિષ્યવાણીઃ શિંદે સરકાર છ મહિનામાં પડી જશે

મુંબઈઃ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે વિશ્વાસનો મત જીતી લીધો હતો. તેમના પક્ષમાં 164 મતો પડ્યા હતા. જેથી એ સિદ્ધ થયું હતું કે નવી સરકાર વિધાનસભ્યોના ટેકાથી બનેલી છે. જોકે ફ્લોર ટેસ્ટથી પહેલાં NCPના પ્રમુખ અને વરિષ્ઠ નેતા શરદ પવારે દાવો કર્યો હતો કે શિંદે સરકાર છ મહિનાથી વધુ નહીં ચાલે. તેમણે કહ્યું હતું કે શિંદેએ મધ્યાવર્તી ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે આવો દાવો NCPના વિધાનસભ્યો અને અન્ય નેતાઓ સાથેની વાતચીતમાં કર્યો હતો.

શિંદેની સાથે જે બળવાખોર વિધાનસભ્યો છે, તેમનામાંથી મોટા ભાગના હાલની વ્યવસ્થાથી ખુશ નથી. નવી સરકાર જ્યારે ખાતાંની ફાળવણી કરશે, ત્યારે વિધાનસભ્યોની નારાજગી બહાર આવશે, એને પરિણામે સરકાર પડી જશે. આ ઉપરાંત બળવાખોર વિધાનસભ્યો પક્ષમાં પરત ફરશે, એમ તેમણે કહ્યું હતું. અમારી પાસે વધુમાં વધુ છ મહિના છે. જેથી NCPના વિધાનસભ્યો પોતાના મત વિસ્તારોમાં  વધુમાં વધુ સમય આપે, એમ તેમણે કહ્યું હતું. 

રાજ્યમાં શિવસેના બે ભાગમાં વહેચાઈ ગઈ છે. જેને કારણે મહાવિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવે રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ ભાજપે શિવસેનાના બળવાખોર નેતાઓની સાથે મળીને સરકાર બનાવી હતી. નવી સરકાર એકનાથ શિંદેના નેતૃત્વમાં બની હતી, જ્યારે દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી મુખ્ય પ્રધાન આપવામાં આવ્યું હતું. આજે આ સરકારનો ફલોર ટેસ્ટ થયો હતો, જેમાં શિંદે જૂથે જીત હાંસલ કરી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]