નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને ઘોડા રેસનું આયોજન કરતી ક્લબોમાં મૂકાતી બેટ્સની સંપૂર્ણ ફેસ વેલ્યૂ પર 28 ટકા જીએસટી લાગુ કરવા માટેના સુધારાઓને સંસદે આજે મંજૂરીની મ્હોર મારી દીધી છે. હાલ આ ગેમ્સ પર 18 ટકા જીએસટી લેવાય છે. 28 ટકા જીએસટી વસૂલીનો નિયમ આવતી 1 ઓક્ટોબરથી લાગુ થશે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને તૈયાર કરેલા સેન્ટ્રલ જીએસટી (સુધારા) ખરડા, 2023 અને ઈન્ટીગ્રેટેડ જીએસટી (સુધારા) ખરડા, 2023ને મંજૂરી આપવામાં આવી છે. આ બંને ખરડામાં ભારતમાં પ્રવૃત્ત ઓફ્ફશોર ઈ-ગેમિંગ કંપનીઓ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. જે કોઈ કંપની જીએસટી રજિસ્ટ્રેશન અને કરવેરા ચૂકવણીના નિયમોનું પાલન નહીં કરે એમના એક્સેસને બ્લોક કરી દેવામાં આવશે. સીજીએસટી સુધારા ખરડામાં ઓનલાઈન ગેમિંગને ઈન્ટરનેટ અથવા ઈલેક્ટ્રોનિક નેટવર્ક પરની ગેમ તરીકે ગણવામાં આવી છે.