લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ પર આયોજિત કાર્યક્રમમાં CM યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પાકિસ્તાનનો ભારતમાં વિલય થઈ જશે. તેમણે પડોશી દેશ પાકિસ્તાન સંદર્ભે મોટો દાવો કરતાં કહ્યું હતું કે પાકિસ્તાનનો વિલય થશે અથવા તો એ ખતમ થઈ જશે.
કોંગ્રેસ વિભાજનની ત્રાસદી માટે ક્યારેય માફી નહીં માગે. કોંગ્રેસને જ્યારે પણ તક મળી છે, ત્યારે એણે દેશનું ગળું દબાવ્યું છે. તેમનાં પાપોની ક્યારેય માફી નહીં આપી શકાય. બંગલાદેશમાં 1947માં 22 ટકા હિન્દુ હતા અને આજે સાત ટકા રહી ગયા છે. અમારી બધાની સહાનુભૂતિ એ હિન્દુઓની સાથે હોવી જોઈએ. અખંડ ભારતનું સપનું જ આ પ્રકારની ઘટનાનું સમાધાન હશે, એમ તેમણે કહ્યું હતું.
જો 1947માં દેશમાં રાજકીય નેતૃત્વની પાસે મજબૂત ઇચ્છાશક્તિ હોત તો વિશ્વની કોઈ તાકાત એ ભાગલા ના કરી શકત. કોંગ્રેસની સત્તાના લોભે ભારતેને બરબાદ કર્યું છે. જ્યારે-જ્યારે એની પાસે સત્તા ગઈ છે તેમણે દેશની કિંમતે રાજકારણ રમ્યું છે. જ્યારે 1947માં પંડિત નેહરુ અને કોંગ્રેસ પક્ષ તિરંગો ફરકાવીને ઉજવણી કરી રહ્યા હતા, એ સમયે અગણિત લોકો માતૃભૂમિ છોડવા માટે લાચાર હતા. છેલ્લાં 10 વર્ષમાં ભારતની પ્રગતિ વિશ્વને અચંભિત કરી રહી છે. એટલે વિશ્વમાં ક્યાંય પણ સંકટ આવે છે તો વિસ્વ ભારત તરફ આશાભરી મીટે જુએ છે, એમ તેમણે કહ્યું હતું.