પદ્માવતી વિવાદ: દીપિકા, ભણસાલીને ધમકાવનારા BJP નેતા સામે નોંધાઈ FIR

હરિયાણા- નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને લઈને વિવાદ વધી રહ્યો છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીના મીડિયા કોઓર્ડીનેટર સૂરજપાલ અમૂ સામે FIR દાખલ કરવામાં આવી છે. સૂરજપાલે દીપિકા પદુકોણ અને ભણસાલીના માથા પર 10 કરોડના ઈનામની જાહેરાત કરી હતી. બીજી તરફ જમ્મુ-કશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર રાણાએ રાજ્યના સીએમ મહેબૂબા મુફ્તીને જમ્મુ-કશ્મીરમાં પદ્માવતી ફિલ્મ રિલીઝ નહીં કરવા અનુરોધ કર્યો છે.

સીએમ મહેબૂબા મુફ્તીને લખેલા પત્રમાં રાણાએ કહ્યું કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રિલીઝ એક વિશેષ સમુદાય અને ધર્મની ભાવનાઓની લાગણીને આહત કરે છે. અને ફિલ્મની રિલીઝથી જમ્મુ ક્ષેત્રની શાંતિ ડહોળાઈ શકે છે.

ફિલ્મ અંગે રાજપૂત સમુદાયે કહ્યું કે, ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. જોકે નિર્માતા સંજય લીલા ભણસાલી પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને નકારતા રહ્યાં છે. નિર્માતાઓ દ્વારા પદ્માવતીની રિલીઝની તારીખ પાછળ લઈ જવાયા બાદ ત્રણ રાજ્યના મુખ્યપ્રધાનોએ આ વિવાદમાં ઝંપલાવ્યું છે.

મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં પદ્માવતીની રિલીઝ પર રોક લગાવી છે. જ્યારે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે રાજપૂત સમુદાય દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આપત્તિઓનું સમર્થન કર્યું છે. જોકે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ પદ્માવતી વિવાદને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. અને અભિવ્યક્તિની સ્વતંત્રતતા પર રોક ગણાવી છે.

આ વિવાદ પર ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે, ‘અમે આ મુદ્દે અમારો પક્ષ જણાવી દીધો છે. અમે સૂચના અને પ્રસારણ મંત્રાલયને આ અંગે લેખિતમાં જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, જે પણ નિર્ણય કરવાનો છે તે CBFCએ કરવાનો છે.