તીન તલાક પર પ્રતિબંધ માટે સંસદના શિયાળુ સત્રમાં ખરડો લાવશે મોદી સરકાર

નવી દિલ્હી- તીન તલાક પર રોક લગાવવા કેન્દ્ર સરકાર કાયદો બનાવવા અંગે વિચાર કરી રહી છે. મળતી માહિતી મુજબ મોદી સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં આ અંગે ખરડો લાવી શકે છે.

ગત દિવસોમાં જ્યારે સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપ્યો હતો ત્યારે કોર્ટે કેન્દ્ર સરકારને આ અંગે કાયદો બનાવવા અંગે નિર્દેશ કર્યો હતો. તત્કાલિન ચીફ જસ્ટીસ જે. એસ. ખેહર અને જસ્ટીસ નઝીરે અલ્પમતમાં આપેલા એક ચૂકાદામાં જણાવ્યું હતું કે, તીન તલાક ધાર્મિક મુદ્દો હોવાથી કોર્ટ તેમાં દખલ નહીં કરે.

જોકે બન્ને જજીસે એ વાતનો સ્વીકાર કર્યો કે તીન તલાકની ઘટના એ નૈતિક રીતે ખોટું છે. જેથી સરકારે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને તેને રોકવા કાયદો બનાવવો જોઈએ. જસ્ટીસ જે. એસ. ખેહર અને જસ્ટીસ નઝીરે કહ્યું કે, તીન તલાક પર છ મહિના માટે સ્ટે લગાવવામાં આવે. આ દરમિયાન કેન્દ્ર સરકાર આ અંગેનો કાયદો બનાવે. અને જો કાયદો નહીં બને તો સ્ટે યથાવત રહેશે. જસ્ટીસ ખેહરે વ્યક્તિગત ટિપ્પણી કરતા કહ્યું કે, દરેક રાજકીય પક્ષોએ રાજનીતિથી ઉપર ઉઠીને સમાજના હિત માટે નિર્ણય લેવો જોઈએ.