જમ્મુકશ્મીર: હંદવાડામાં સેનાએ LeTના ત્રણ આતંકી ઠાર કર્યા

શ્રીનગર- જમ્મુ કશ્મીરના હંદવાડા વિસ્તારમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં લશકર-એ-તૈયબાના 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના હોવાનું જાણવા મળ્યું છે. જમ્મુ કશ્મીરના DGP એસ.પી વૈદ્યે આ માહિતી ટ્વીટ કરીને જણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 મહિનામાં જમ્મુ કશ્મીરમાં 190 જેટલા આતંકીઓ ઠાર મારવામાં આવ્યા છે. તેમાંથી 110 વિદેશી આતંકીઓ હતા જ્યારે 90 સ્થાનિક આતંકી હતા. પોલીસને આ વિસ્તારમાં 2-3 આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી.

જમ્મુ કશ્મીરના DGP એસ.પી. વૈદ્યે જણાવ્યું કે, કશ્મીરને હિંસા, આતંક, ડ્રગ્સ અને હથિયારોથી મુક્ત કરવા સેના દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવી જરુરી છે. જે માટે સેના અવિરત પ્રયાસ કરી રહી છે. ભારતમાં ISISના આતંકીઓની હાજરી અંગે જમ્મુ કશ્મીરના DGPએ જણાવ્યું કે, મને નથી લાગતું કે ભારતમાં હજી સુધી ISISની હાજરી જણાઈ હોય.

ઉલ્લેખનીય છે કે, ISISએ દાવો કર્યો હતો કે, શ્રીનગરના ઝકુરામાં પોલીસ સ્ટેશન પર જે હુમલો થયો તે ISISના આતંકીઓએ કર્યો હતો. ISISએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર અરબી ભાષામાં લખીને આ હુમલા અંગે જવાબદારી સ્વીકારી હતી.