નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી તથા અન્ય 13 વિરોધ પક્ષો સંસદના શિયાળુ સત્રનો બહિષ્કાર કરે એવી ધારણા છે. સત્રનો આરંભ ગઈ કાલથી જ થયો છે. કેન્દ્ર સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચતો ખરડો ગઈ કાલે સંસદના બંને ગૃહમાં ચર્ચા કર્યા વિના પાસ કરાવ્યા બાદ વિરોધપક્ષો સત્રનો બહિષ્કાર કરવા આપસમાં ચર્ચા કરી રહ્યા છે. શિયાળુ સત્ર 23 ડિસેમ્બર સુધી ચાલવાનું છે.
કોંગ્રેસે આ માટે વિરોધપક્ષોની આજે એક બેઠક બોલાવી છે, પણ એમાં મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) પાર્ટી સામેલ થાય એવી સંભાવના ઓછી છે. ટીએમસી આ મુદ્દે અલગ રીતે વિપક્ષી બેઠક બોલાવવા વિચારે છે. ગઈ કાલે યોજાઈ ગયેલી વિપક્ષી બેઠકમાં પણ ટીએમસીના નેતાઓએ હાજરી આપી નહોતી.