સામ પિત્રોડાએ ઉઠાવ્યા એર સ્ટ્રાઈક પર સવાલ, આપ્યું વિવાદિત નિવેદન

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નીકટના ગણાતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે જો તેમણે 300 આતંકીઓ માર્યા છે તો ઠીક છે. હું બસ એટલું કહેવા માંગુ છું કે તમે મને તેના વધુ તથ્યો ઉપલબ્ધ કરાવી શકો છો અને તેને સ્પષ્ટ કરી શકો છો. તેમણે પાકિસ્તાન સાથે વાતચીતનું પણ સમર્થન કર્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુજબ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાની પણ એર સ્ટ્રાઈકને લઈને બીજી જ રજૂઆત છે. ભારતના લોકોને ભારતીય વાયુસેના તરફથી કરાયેલી આ કાર્યવાહીના તથ્ય જાણવાનો અધિકાર છે.

તેમણે કહ્યું કે મેં ન્યૂયોર્ક ટાઇમ્સમાં રિપોર્ટ વાંચ્યો આથી મને વધુ જાણવાની ઇચ્છા છે. શું ખરેખર હુમલો થયો? શું ખરેખર 300 લોકો મર્યા? એક નાગરિક હોવાના નાતે મને જાણવાનો અધિકાર છે અને મારી ડ્યુટી છે કે હું પ્રશ્ન કરું. તેનો મતલબ એ નથી કે હું રાષ્ટ્રવાદી નથી કે હું બીજાનો પક્ષ લઇ રહ્યો છું. જો તમે કહો છો કે 300 લોકો મર્યા છે તો વૈશ્વિક મીડિયા એમ કેમ કહી રહી છે કે કોઇ મર્યું નથી. મને એક નાગરિક તરીકે આ ખરાબ લાગે છે.

પિત્રોડા 2019 ચૂંટણી માટે કોંગ્રેસના મૈનિફેસ્ટો કમિટીના સભ્ય છે. તેમણે કહ્યું કે હું એક ગાંધીવાદી છું. હું વાતચીતમાં વિશ્વાસ કરું છું અને મારું માનવું છે કે તમામે વાત કરવી જોઇએ. માત્ર પાકિસ્તાન કેમ આપણે આખી દુનિયા સાથે વાત કરવી જોઇએ. પિત્રોડા એ કહ્યું કે જો કોઇ આવીને હુમલો કરે છે તો તેના દેશના દરેક નાગરિક દોષિત નથી. તેમણે કહ્યું કે મને પુલવામા એટેકની વધુ ખબર નથી પરંતુ આવું તો હંમેશા થાય છે. મુંબઇમાં હુમવલા થયા તો અમે રિએકટ કરી શકતા હતા અને એરફોર્સને મોકલી શકતા હતા પરંતુ આ દુનિયાની સામે રજૂ કરવાની સારી રીત નથી. જો કોઇ દેશમાંથી 8 લોકો આવી હુમલો કરે છે તો આખા દેશને દોષિત કહેવો યોગ્ય નથી.

પિત્રોડા એ કહ્યું આપણે વધુ ભાવુક થવાની જરૂર નથી કારણ કે ડેટા નિષ્પક્ષ હોય છે. આથી જો કોઇ આવીને કહે છે કે 300 લોકો મારી દીધા અને મીડિયા કહે છે કે કોઇ નથી મર્યું તો હું શું માનું. સામ પિત્રોડા એ કહ્યું કે આ વિચાર તેમના પોતાના છે અને કોંગ્રેસ પાર્ટી સાથે તેની કોઇ લેવા-દેવા નથી. તેમણે કહ્યું કે હું વૈજ્ઞાનિક રીતે વાત કરું છું, હું લોજિકમાં વિશ્વાસ ધરાવું છું. હું ડેટામાં વિશ્વાસ કરું છું. હું ભાવનાઓમાં વિશ્વાસ કરતો નથી.