નવી દિલ્હીઃ દેશમાં ઉનાળાની સીઝનમાં વીજ અછત સર્જાઈ હતી, તેમ છતાં વીજ મંત્રાલયે દાવો કર્યો હતો કે દેશમાં વીજમાગને પહોંચી વળવા માટે પર્યાપ્ત સ્થાપિત વીજ ક્ષમતા છે. વીજપ્રધાને લોકસભામાં કહ્યું હતું કે દેશમાં વીજળી કોઈ અછત નથી. દેશમાં 30 જૂને દેશની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 403.76 ગિગા વોટ (GW) છે. વળી, ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલ, 2022માં સૌથી વધુ વીજમાગ 215.89 ગિગાવોટ પિક પર પહોંચી હતી, એમ તેમણે કહ્યું હતું.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA)ના લોડ જનરેશન બેલેન્સ રિપોર્ટ 2022-23 મુજબ 2022-23માં વીજ ઉપલબ્ધતા 15,49,597 MU હતી, જેની સામે દેશની વીજ માગ 1,505,198 મિલિયન યુનિટ હતી. મંત્રાલયના દાવાથી વિપરીત તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં કેટલાંક રાજ્યોમાં લાબા સમયના પાવર કટ મૂકવામાં આવ્યા હતા. દેશમાં અનેક વીજ ઉત્પાદક પાવર પ્લાન્ટ વીજમાગને પહોંચી વળવા માટે કોલસાની અછત ભોગવતા હતા, ત્યારે સરકારે કોલ ઇન્ડિયાને કોલસાની આયાત કરવા માટેના નિર્દેશ આપ્યા હતા.
આ પહેલાં આર. કે. સિંહે કહ્યું હતું કે સરકારે પાવર પ્લાન્ટોને બ્લેકઆઉટથી બચવા માટે 10 ટકા આયાતી કોલસાનનું મિશ્રણ કરવાના નિર્દેશ આપ્યા છે, કેમ કે ઘરેલુ કોલસાનું ઉત્પાદન પર્યાપ્ત નથી. એ વખતે તેમણે વીજળી કિંમતો યુનિટદીઠ 60-70 પૈસા વધારવાની શક્યતા પણ દર્શાવી હતી.
તેમણે એ પણ કહ્યું હતું કે દેશમાં 2030 સુધીમાં વીજ ઉત્પાદન ક્ષમતા 8,20,000 મેગાવોટે પહોંચશે.