નવી દિલ્હીઃ વૈશ્વિક માર્કેટથી પ્રતિકૂળ સંકેતોની વચ્ચે વચગાળા બજેટના દિને ઘરેલુ સ્ટોક માર્કેટમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારામનની બજેટની જાહેરાતોથી બજારને ટેકો નહોતો મળ્યો અને એ નરમ બંધ આવ્યું હતું. સેન્સેક્સના 21 અને નિફ્ટી 50ના 31 શેરો ઘટીને બજાર પર દબાણ નાખ્યું હતું. માર્કેટના ઘટાડાને પગલે BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ આશરે રૂ. 35,000 કરોડનો ઘટાડો થયો હતો.
બજેટના દિવસે સેન્સેક્સ 106.81 પોઇન્ટ ઘટીને 71,645.30 અને નિફ્ટી 28.25 પોઇન્ટ તૂટીને 21,697.45એ બંધ થયો હતો. સેક્ટરવાઇઝ મિડિયા, મેટલ, PSU બેન્ક અને રિયલ્ટી સિવાયના બધા ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. નિફ્ટી બેન્ક 0.16 બંધ થયો હતો.
નાણાપ્રધાને બજેટમાં મૂડી ખર્ચમાં 11 ટકાના વધારાની જાહેરાત કરી હતી, પણ બજારને સપોર્ટ નહોતો મળી શક્યો. અમેરિકી ફેડે એવા સંકેત આપ્યા હતા કે માર્ચમાં પણ વ્યાજદરોમાં કાપની સંભાવના નથી, એટલે બજાર ટૂંકી વધઘટે અથડાઈ ગયું હતું.
બજેટના દિવસે શેરબજારની શરૂઆત ઇંડેક્સ પણ તેજી સાથે થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખૂલ્યા છે. BSE સેન્સેક્સ 40 પોઈન્ટ વધીને 71,998.78 પર ખૂલ્યો હતો. જ્યારે NSE નિફ્ટીએ 21,780ના સ્તરે શરૂઆત કરી. માર્કેટમાં ધીમી શરૂઆત બાદ બજાર ખૂલતાની સાથે જ Paytmના શેર તૂટ્યો હતો. આરબીઆઈ દ્વારા પેટીએમની બેંકિંગ સેવાઓ પર પ્રતિબંધ લગવાતા Paytmના શેરમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો.