નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્ત્વનો ફાળો આપનારા વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘આઝાદીની લડાઈના મહાન સ્વતંત્રતાસેનાની અને રાષ્ટ્રવાદી વીર સાવરકરને તેમની જન્મજયંતીએ કોટિ-કોટિ નમન.’
વડા પ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગિ આદિત્યનાથ સહિત અન્ય ભાજપના નેતાઓ અને પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ માધવ ભંડારીએ પણ હિન્દુવાદી વિચારધારા ધરાવતા સાવરકરને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે મહાન સ્વતંત્રતાસેનાની, સમાજસુધારક, પ્રખર વક્તા અને લેખક વિનાયક દામોદર સાવરકરજીની જન્મજયંતીએ તેમને કોટિ-કોટિ નમન. તેમની બહાદુરી, સંઘર્ષ અને ત્યાગ આપણને બધાને સદા પ્રેરિત કરતા રહેશે.
आजादी की लड़ाई के महान सेनानी और प्रखर राष्ट्रभक्त वीर सावरकर को उनकी जयंती पर कोटि-कोटि नमन।
— Narendra Modi (@narendramodi) May 28, 2021
સાવરકરનો જન્મ 28 મે, 1883માં નાસિક ભગુર ગામમાં થયો હતો. 1937માં તેઓ હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સાવરકર એક સ્વતંત્રતાસેનાની, રાજકારણી, વકીલ, લેખક અને હિન્દુત્વની ફિલસૂફીના મોટા સમર્થક હતા. સ્વતંત્રતા આંદોલન દરમ્યાન અંગ્રેજોએ સાવરકરને કાળાપાણીની સજા આપી હતી. સાવરકરનું નિધન 1966માં 26 ફેબ્રુઆરીએ થયું હતું.