નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાઈરસ મહાચેપી બીમારીના ઓમિક્રોન વેરિઅન્ટના કેસોની સંખ્યા આજે ઓચિંતી 8 પર પહોંચી ગઈ. મહારાષ્ટ્રમાં આજે નવા સાત કેસ નોંધાયા છે. ચેપગ્રસ્ત દર્દીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જે નાઈજિરીયાથી આવી છે. પુણે જિલ્લાના પીંપરી ચિંચવડમાં રહેતા પોતાનાં ભાઈને મળવા એ તેની બે પુત્રી સાથે આવી છે. આ મહિલાનો ભાઈ અને ભાઈની બે પુત્રીને પણ ઓમિક્રોન થયાનું માલૂમ પડ્યું છે. એક અન્ય કેસમાં, ફિનલેન્ડથી પુણે આવેલા એક પુરુષ પણ ઓમિક્રોન પોઝિટીવ થયો છે.
બીજી બાજુ, બીજા ઘણાયના તબીબી નમૂના જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે જેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. એક કેસ એવા પુરુષનો છે જે ટાન્ઝાનિયાથી દિલ્હી આવી પહોંચ્યો હતો. આગમન વખતે એની તબીબી ચકાસણી કરાતા એ પોઝિટીવ માલૂમ પડ્યો હતો. એને તરત જ લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો છે.
દેશમાં ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ કર્ણાટકમાં નોંધાયો હતો. એ 66 વર્ષનો એક પુરુષ છે જે 20 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી બેંગલુરુ આવી પહોંચ્યો હતો. એરપોર્ટ પર જ એનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
બીજા કેસનો પુરુષ પણ કર્ણાટકનો છે. એ 46 વર્ષના બેંગલુરુનિવાસી એનેસ્થેસિયોલોજિસ્ટ ડોક્ટર છે. એમનો ઓમિક્રોન રિપોર્ટ 22 નવેમ્બરે પોઝિટીવ આવ્યો હતો. એ કોઈ વિદેશ પ્રવાસે ગયા નહોતા અને કોરોના-વિરોધી રસીના બંને ડોઝ પણ એમણે લઈ લીધા છે. એમણે થાક, શરીરમાં નબળાઈ અને તાવની ફરિયાદ કરતાં 22 નવેમ્બરે એમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે ઓમિક્રોન પોઝિટીવ આવ્યો હતો. તે જેમના સંપર્કમાં હતા એ નિકટનાં 13 સહિત કુલ 205ને પણ શોધી એમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમાંના પાંચ જણનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. હવે એમના નમૂના જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે.
ત્રીજો કેસ ગુજરાતના જામનગરના 72-વર્ષીય વૃદ્ધનો છે. એ 28 નવેમ્બરે ‘જોખમી’ દેશ તરીકે ઘોષિત ઝિમ્બાબ્વેમાંથી આવ્યા હતા. આગમન વખતે જ એમનો ટેસ્ટ કરાતાં એમને ઓમિક્રોન વેરિન્ટ લાગુ થયો હોવાનું માલૂમ પડ્યું હતું. બીજી ડિસેમ્બરે એમનો નમૂનો જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યો છે. એમને ગળામાં ખરાશ અને શરીરમાં નબળાઈ હતી. એમની તબિયત હાલ સ્થિર છે. એમને તબીબી નિરીક્ષણ અલાયદી જગ્યાએ રાખવામાં આવ્યા છે. આ ભાઈ ઘણા વર્ષોથી ઝિમ્બાબ્વેમાં રહે છે અને જામનગરમાં એમના સસરાને મળવા આવ્યા હતા.
ચોથો કેસ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી ઉપનગરના 33 વર્ષીય પુરુષનો છે. એ મરીન એન્જિનીયર છે. કામગીરીના પ્રકારને કારણે એ હજી સુધી કોરોના રસી લઈ શક્યા નથી. એ ગયા એપ્રિલથી જહાજ પર હતા. એ દક્ષિણ આફ્રિકાથી દુબઈ માર્ગે દિલ્હી આવી પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટ પર એમનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટીવ આવ્યો હતો. એમને થાણે જિલ્લાના કલ્યાણમાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. એમને હળવો તાવ હતો.
પાંચમો કેસ 37 વર્ષના દિલ્હીવાસીનો છે. એ ટાન્ઝાનિયામાંથી આવી પહોંચ્યા બાદ એમનું ઓમિક્રોન પરીક્ષણ પોઝિટીવ આવ્યું હતું.