વાવાઝોડું ‘જવાદ’ ઘેરા-દબાણમાં ફેરવાતાં નબળું પડી ગયું

ભૂવનેશ્વરઃ ભારતના પૂર્વ સમુદ્રકાંઠાના વિસ્તારોને ચક્રવાતી વાવાઝોડા ‘જવાદ’ની ઉગ્રતાનો સામનો કદાચ કરવાનો નહીં આવે, કારણ કે આ વાવાઝોડું પડોશી રાજ્યો – ઓડિશા અને પડોશ આંધ્ર પ્રદેશના કાંઠે પહોંચતા પહેલાં જ ઘેરા દબાણમાં ફેરવાઈ ગયું છે. પરંતુ, સાવચેતીના પગલા તરીકે સમુદ્રકાંઠા નજીક રહેતાં હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવા પડ્યા છે.

વાવાઝોડું આજે સવાર સુધીમાં ઘેરા દબાણમાંથી પણ વધારે નબળું પડવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી. તે છતાં, ઓડિશા, આંધ્ર પ્રદેશના ઉત્તરીય ભાગો અને પશ્ચિમ બંગાળના છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતા 24 કલાક દરમિયાન ઓડિશાના મયૂરભંજ, બાલાસોર, ભદ્રક, કેંદ્રાપાડા અને જગતસિંહપુર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. ઓડિશાના પુરી અને જગતસિંહપુર જિલ્લાઓના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત આસામ, મેઘાલય અને ત્રિપુરામાં પણ રવિવારે અને સોમવારે ભારે વરસાદ પડી શકે છે.