વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું નિધનઃ પત્રકાર જગતમાં શોક

નવી દિલ્હીઃ વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી એક્ટ્રેસ અને કોમેડિયન મલ્લિકા દુઆએ આ માહિતી આપી હતી. આવતી કાલે દિલ્હીમાં લોધી કોન્સોર્ટિયમમાં તેમના અંતિમ સંસ્કાર થશે. આ સમાચારથી પત્રકાર જગતમાં શોક વ્યાપી ગયો છે. હિન્દી પત્રકારત્વમાં મશહૂર દુઆએ દૂરદર્શન અને NDTV સહિત અન્ય કેટલીય સંસ્થાઓમાં કામ કર્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. તેઓ એપોલોમાં ICUમાં દાખલ હતા.

વિનોદ દુઆને પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નલિઝમ એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ 2008માં તેમને કેન્દ્ર સરકારે પત્રકારત્વ માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. મુંબઈ પ્રેસ ક્લબે વર્ષ 2017માં તેમને રેડ ઇન્ક એવોર્ડ આપ્યો હતો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમને આ એ સન્માન આપ્યું હતું.

દિલ્હીની હંસરાજ કોલેજથી અંગ્રેજી સાહિત્યમાં તેમણે ડિગ્રીની સાથે-સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી. તેમના NDTVના શો જાયકા ઇન્ડિયાને ઘણો પસંદ કરવામાં આવતો હતો, જેને તેઓ હોસ્ટ કરતા હતા. કોરોના રોગચાળાની બીજી લહેરમાં તેઓ અને તેમનાં પત્ની કોરોના સંક્રમિત થયાં હતાં. એ વખતે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમનાં પત્નીનું 12 જૂને નિધન થયું હતું. વિનોદ દુઆની હાલત ત્યારથી ખરાબ હતી.