અહો આશ્ચર્યમઃ પરિવારના નવ સભ્યોનો ‘બર્થડે’ એક જ દિવસે

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં એક પરિવાર એવો છે, જેના બધા નવ લોકોનો જન્મદિવસ એક જ દિવસે આવે છે. આવો સંયોગ કદાચ જ ક્યારેક કોઈના ઘરમાં થયો હોય, પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતના લરકાનામાં એવો એક પરિવાર છે. ઘરના આમિર અલી અને તેમની પત્ની ખુદેજા –બંનેનો જન્મ એક ઓગસ્ટે થયો હતો. બંનેએ ‘બર્થડે’ના દિવસે 1991માં લગ્ન કર્યાં હતાં.

એક વર્ષ પછી તેમના ઘરે પહેલું સંતાન પુત્રી સિંધુનો જન્મ એ જ દિવસે થયો હતો. ત્યાર બાદ તેમના ઘરે એક ઓગસ્ટે જોડકાં બાળકો- પુત્રીઓનો જન્મ થયો. તેમનાં નામ સસુઈ અને સપના છે. ફરી એ જ તારીખે જોડકાં બાળકો થયાં- તેમનાં નામ આમિર અને અંબર છે. એના પાંચ વર્ષ પછી એક ઓગસ્ટે અમ્માર અને અહમરનો જન્મ થયો. એટલે કે સાત બાળકોનો જન્મ એક ઓગસ્ટે થયો હતો.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસ મુજબ – બે વાર જોડિયાં બાળકીઓનો જન્મ થવો એ દુર્લભ છે. બાળકીઓના જન્મનાં પાંચ વર્ષ પછી બે જોડકાં બાળકો-અમ્માર અને અહમરનો એક ઓગસ્ટ, 2003માં જન્મ થયો હતો. એક જ તારીખે મહત્તમ બાળકોનો જન્મ થવો એ પણ એક રેકોર્ડ છે. એક ઘરમાં બધાં જોડકાં પેદા થવા એ પણ એક રેકોર્ડ છે.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની વાત કરતાં આમીર અલી અને ખુદેજાએ બધાં બાળકોનો એક તારીખ જન્મ થવાની બાબાતને ભગવાનની મરજી ગણાવી હતી, કેમ કે બધાનો જન્મ કુદરતી છે. આવતા મહિને એક ઓગસ્ટે પરિવાર રંગેચંગે જન્મદિનનો ઉત્સવ ઊજવશે. આ પહેલાં અમેરિકાના કમિન્સ પરિવારમાં આવો સંયોગ થયો હતો. તેમના પરિવારમાં 1952થી 1966ની વચ્ચે પાંચ લોકોનો જન્મ 20 ઓગસ્ટે થયો હતો.