ભુવનેશ્વરઃ દેશભરમાં લોકડાઉન વધવાની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ઓડિશા સરકારે એક મોટું પગલું ભર્યું છે. રાજ્યની નવીન પટનાયક સરકારે લોકડાઉનના સમયને વધારવાનો નિર્ણય કર્યો છે. ઓડિશા સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આવું કરનારું ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ નિર્ણય મામલે જાણકારી આપી છે. આ સાથે જ રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી આ સમયગાળા દરમિયાન ટ્રેન અને વિમાન સેવાઓ ન શરુ કરવા માટે અપીલ કરી છે. ઓડિશા સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને 17 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન શાળા, કોલેજો અને યૂનિવર્સિટીઝ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 14 એપ્રીલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ટ્રેન સેવાઓ પણ પૂર્ણ રીતે બંધ છે. માત્ર માલગાડીઓ દ્વારા જરુરી વસ્તુઓની આપૂર્તિ કરવામાં આવી રહી છે. આ પહેલા કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન મોદી સાથે ચર્ચા દરમિયાન લોકડાઉન વધારવાની ભલામણ કરી હતી.
