જયંત હવે ઇન્ડિયા ગઠબંધનમાંથી છેડો ફાડે એવી શક્યતા

નવી દિલ્હીઃ સામાન્ય ચૂંટણી નજીક છે, ત્યારે ભાજપે બિહારના ગઠબંધનને તોડ્યું હતું એમ હવે UPમાં તોડફોડની તૈયારી છે. અહેવાલ કહે છે કે રાષ્ટ્રીય લોકદળ (RLD)ના પ્રમુખ જયંત ચૌધરીથી અલાયન્સને લઈને વાતચીત અંતિમ તબક્કામાં છે. જેથી RLD ટૂંક સમયમાં NDAનો ભાગ બની શકે છે. ભાજપની આ મોટી વ્યૂહાત્મક જીત માનવામાં આવશે, કેમ કે RLD અત્યાર સુધી ઇન્ડિયા એલાયન્સનો હિસ્સો છે.

જયંત ટૂંક સમયમાં ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની UPમાં એન્ટ્રી પહેલાં RLD ભાજપના નેતૃત્વવાળા NDAમાં સામેલ થવાની સંભાવના છે. જયંતની ભાજપના કેટલાક સિનિયર નેતાઓ સાથે મુલાકાત થઈ ચૂકી છે. ભાજપની સાથે ગઠબંધનની સત્તવાર ઘોષણા 12 ફેબ્રુઆરીએ થવાની શક્યતા છે, કેમ કે તેમના પિતા અજિત ચૌધરીની જયંતી છે.

આ વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. RLD પ્રમુખે પાંચ સીટોની માગ કરી છે, પરંતુ ફોર્મ્યુલા હજી નક્કી નથી, પણ આગામી બેઠક ટૂંક સમયમાં થશે. વિવાદનું મૂળ મુઝફ્ફરનગર સીટ છે.

SP અધ્યક્ષ અખિલેશ યાદવે જયંત સાથે સીટ વહેંચણીનું એલાન કર્યું હતું. પશ્ચિમ UPને જાટ અને મુસ્લિમ બહુમતી વિસ્તાર માનવામાં આવે છે. અહીં લોકસભાની કુલ 27 સીટો છે અને 2019ની ચૂંટણીમાં ભાજપે 19 સીટો જીતી હતી, જ્યારે આઠ સીટો પર SP અને BSPએ જીતી હતી, પરંતુ RLDએ કોઈ સીટ જીતી નહોતી. આ પહેલાં 2014ની ચૂંટણીમાં પણ જયંતને એક પણ સીટ નહોતી મળી.