નવી દિલ્હીઃ ભારતીય રેલવે પોતાને આધુનિક બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. જેમાં અનેક ફેરફારો તમને જોવા મળશે. ત્યારે આ જ બદલાવ અંતર્ગત ટ્રેનમાં ટીટીની જગ્યાએ રેલવે પોલીસના જવાન તમારી ટિકિટ ચેક કરશે. આગામી થોડા જ સમયમાં ભારતીય રેલવે આ પ્રકારના અન્યો ફેરફારો કરી શકે છે.
આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું કે, રેલવે પોતાના કર્મચારીઓને મલ્ટી-ટાસ્કિંગ બનાવવાની યોજના ઘડે છે. અનેક સૂચનો આવ્યાં છે. જેમાં કહેવાયું છે કે ટ્રેનની અંદર રેલવે સુરક્ષા દળ (આરપીએફ) કર્મી કે ટ્રેનના ટેક્નિશિયન ટિકિટ ચેક કરવાનું પણ કામ કરી શકે છે.
આ પ્રકારે વિભિન્ન ઝોનમાંથી સૂચનો મળ્યાં છે કે સ્ટેશન માસ્ટર પોતાના હાલના કામ ઉપરાંત સિગ્નલ મેન્ટેઈનરનું કામ પણ સંભાળી લે. ઉલ્લેખનીય છે કે આ પ્રસ્તાવ રેલવેની પોતાના કર્મચારીઓને વધુમાં વધુ ઉપયોગમાં લેવાની કવાયતનો ભાગ છે.
આ માટે પ્રત્યેક શ્રેણીના કર્મચારીને નવી ભૂમિકા સંભાળતા પહેલા મલ્ટી-ટાસ્કિંગની યોગ્ય તાલીમ આપવામાં આવશે. અનેક ઝોન તરફથી સૂચન આવ્યા છે કે કેટલાક એવા કામોને આઉટસોર્સ કરવામાં આવે જે રેલવેના મૂળ કામ નથી. જેમ કે સફાઈ કર્મચારી અને સ્ટેશનોની ઈમારતની દેખભાળ વગેરે માટે.