113 કંપનીઓએ CSR પેટે 4316 કરોડ PM કેર્સ ફંડમાં આપ્યા

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળા સામેના જંગમાં ઉદ્યોગ જગતે પણ જંગી રકમનું યોગદાન આપ્યું છે. કંપનીઓ દ્વારા બતાવવામાં આવેલી કુલ પ્રતિબદ્ધતામાં અડધાથી વધુ એટલે કે રૂ. 4316 કરોડનું યોગદાન પ્રાઇમ મિનિસ્ટર સિટિઝન અસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએશન ફંડ (PM કેર્સ ફંડ)માં આપવામાં આવ્યું છે. ક્રિસિલ ફાઉન્ડેશને CSRના રિપોર્ટમાં કહ્યું છે કે 113 કંપનીઓએ રોકડ અથવા અન્ય રૂપે મદદ કરવાનો સંકલ્પ દર્શાવ્યો છે.

84 કંપનીઓએ કુલ રૂ. 7537 કરોડનું યોગદાન

આમાંથી 84 કંપનીઓએ કુલ રૂ. 7537 કરોડનું યોગદાન આપ્યું છે. આ ખર્ચને CSR હેઠળનો માનવામાં આવશે. આ કુલ રકમ રૂ. 7537 કરોડમાંથી કંપનીઓએ રૂ. 4316 કરોડ PM કેર્સ ફંડમાં આપ્યા છે, જ્યારે રૂ. 3221 કરોડ કોરોના વાઇરસ સંબંધિત અન્ય રાહત કાર્યોમાં આપ્યા છે.

સરકારે રૂ. 3100 કરોડ કોરોના સંબંધિત વિભિન્ન કાર્યો માટે ફાળવાયા

પાછલા મહિને સરકારે PM કેર્સ ફંડથી રૂ. 3100 કરોડ કોરોના સંબંધિત વિભિન્ન કાર્યો માટે ફાળવ્યા હતા, જેમાં રૂ. 2000 કરોડનાં વેન્ટિલેટર્સની ખરીદી, રૂ. 1000 કરોડ પ્રવાસી મજૂરોની મદદ માટે તથા રૂ. 100 કરોડની મદદ રસીને વિકસાવવા માટે આપ્યા હતા. ક્રિસિલે કહ્યું હતું કે એણે 130 કંપનીઓના સામાજિક ક્ષેત્ર પર ખર્ચનું વિશ્લેષણ કર્યું હતું. જેમાંથી 113 કપનીઓમાંથી 84 કંપનીઓએ રૂ. 7537 કરોડનું યોગદાન કર્યું હતું. બાકીની 29 કંપનીઓએ રૂ. 373 કરોડ અન્ય ભંડોળમાં આપ્યા હતા. રૂ. 84 કરોડનું યોગદાન સ્વૈચ્છિક દાન રૂપે આપવામાં આવ્યું હતું, જે CSRની શ્રેણીમાં નહીં આવે.

ખાનગી ક્ષેત્રની કંપનીઓ દાનમાં આગળ

ક્રિસિલના અહેવાલ અનુસાર 84 કંપનીઓમાં 67 ટકા એટલે કે 56 કંપનીઓ ખાનગી ક્ષેત્રની છે અને કુલ રૂ. 7537 કરોડના યોગદાનમાં એનો હિસ્સો બે તૃતીયાંશ છે. બાકીની 24 કંપનીઓ જાહેર ક્ષત્રની છે, જેનો હિસ્સો 30 ટકા છે. સાત વિદેશી કંપનીઓએ પણ દાન આપ્યું છે.

મહારાષ્ટ્રની કંપનીઓએ તિજોરી ખોલી

PM કેર્સ ફંડમાં રોકડની મદદ કરનાર 84 કંપનીઓમાંથી 36 કંપનીઓ મહારાષ્ટ્રની છે. તેમણે યોગદાન રૂ. 4728 કરોડ આપ્યું છે, જે 63 ટકા છે. ત્યાર બાદ દિલ્હીનું સ્થાન છે. દિલ્હીની 13 કંપનીઓએ 17 ટકા યોગદાન આપ્યું છે, જ્યારે નવ કંપનીઓ ગુજરાતની છે, જેમણે રૂ. 7537 કરોડમાં સાત ટકાનું યોગદાન આપ્યું છે.

4817 લિસ્ટેડ કંપનીમાંથી 1976 કંપનીઓ CSR ખર્ચના માપદંડને પૂરા કરે છે

અહેવાલ અનુસાર આ 84 કંપનીઓમાંથી 48એ કોવિડ-19 માટે કંપનીના સ્તરે ખર્ચ કર્યો, જેમાં 28એ 2018-19ના કુલ CSR ખર્ચની તુલનાએ અડધાથી ઓછો ખર્ચ કર્યો. 16 કંપનીઓએ વર્ષ 2018-19ને બરાબર અથવા વધુ ખર્ચ કર્યો. 4817 લિસ્ટેડ કંપનીમાંથી 1976 કંપનીઓ અનિવાર્ય રૂપે CSR ખર્ચના માપદંડને પૂરા કરે છે. 129 કંપનીઓ ઓળખ કરવામાં મુશ્કેલી પડે એવાં કારણો આપીને ખર્ચ નથી કરતી. 102 કંપનીઓ વાર્ષિક રિપોર્ટમાં એનો ઉલ્લેખ નથી કરતી, જ્યારે 150 કંપનીએ કહ્યું હતું કે એમને ખર્ચ કરવાની જરૂર નથી.