હરિદ્વાર: વિવાદોમાં ઘેરાયેલી પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનની “કોરોનિલ” દવાને છેવટે આયુષ મંત્રાલયે લીલીઝંડી આપી દીધી છે. હવે મંત્રાલયના નિર્દેશ પ્રમાણે તેનું આખા દેશમાં વેચાણ કરી શકાશે. પતંજલિ તરફથી કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવ અને પતંજલિ યોગપીઠ ભારતને વિશ્વગુરુ બનાવવાની ઝૂંબેશમાં જોડાયેલા છે, પરંતુ અમુક લોકોને ગમતું નથી.
‘કોરોનિલ દવા પર સવાલ ઉઠાવનારા લોકોને બાબા રામદેવે તીખો જવાબ આપ્યો છે. હરિદ્વાર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યુ કે, ‘કોરોનિલ’ માર્કેટમાં લોન્ચ થતાં જ અમુક લોકોને મરચા લાગ્યા અને દેશભરમાં અમારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. પતંજલિએ પલટી મારી, પતંજલિ નિષ્ફળ કહીને બાબા રામદેવની જાતિ અને ધર્મને લઈને પણ ખૂબ ગંદો માહોલ ઊભો કર્યો છે. પતંજલિ દેશદ્રોહી અને આતંકવાદી હોય તેમ તેની સામે ફરિયાદ દાખલ કરાવી. મહત્વનું છે કે આયુષ મંત્રાલયે મંગળવારે પતંજલિ યોગપીઠને કોરોના કિટમાં સામેલ દવાઓને ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે ઉપયોગ કરવાની છૂટ આપ્યા બાદ બાબા રામદેવ તરફથી આવી પ્રતિક્રિયા આવી છે.
પતંજલિ તરફથી કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયને પોતાના ક્લિનિકલ ટ્રાયલ સંબંધિત તમામ દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. જે બાદમાં આયુષ મંત્રાલયે સ્વીકાર કર્યો છે કે પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશને કોવિડ 19 મેનેજમેન્ટ અંગે તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું છે. આયુષ મંત્રાલય અને પતંજલિ વચ્ચે આ મુદ્દે હવે કોઈ અસહમતિ નથી.
બાબા રામદેવે આયુષ મંત્રાલયના નિવેદનને ટાંકીને કહ્યું કે કોરોનાથી પીડિત માનવતા માટે પતંજલિએ એક સાચી દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે, પ્રશંસા ન કરો તો કંઈ નહીં પણ અમારો ધિક્કારો તો ન કરો. બાબાએ ઉગ્ર અવાજમાં કહ્યું કે હવે જ્યારે અમે કોરોના વિશેના એક ટ્રાયલનો ડેટા રજૂ કર્યો તો તોફાન આવી ગયું. ડ્રગ માફિયાઓને લાગ્યું હતું કે ટાઇ પહેરેલા લોકો જ રિચર્ચનું કામ કરી શકે, લંગોટ વાળા નહીં, શું તેમણે ઠેકો લઈ રાખ્યો છે?
મહત્વનુ છે કે પતંજલિ તરફથી 23 જૂનના ‘કોરોનિલ’ દવાની જાહેરાત કરવામાં આવી હતી. દવા રજૂ કરતી વખતે દાવો કરાયો હતો કે આ દવાથી કોરોનાના દર્દી એક અઠવાડિયામાં સાજા થઈ શકે છે. આવા દાવા બાદ વિવાદ થયો હતો. જે બાદમાં કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે દવાના પ્રચાર અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધી હતી. હવે પતંજલિએ કહ્યું છે કે, આ કોરોનાની દવા નથી પરંતુ ઈમ્યુનિટી બૂસ્ટર છે.