કોરોનાનો ગભરાટઃ આગરાના તાજમહલમાં પર્યટકોની કડક તબીબી ચકાસણી

આગરાઃ ચીનમાંથી દુનિયાભરમાં ફેલાયેલા ભયાનક કોરોના વાઈરસે ભારતમાં પણ પ્રવેશ કરી દીધો છે. અમુક રાજ્યોમાં દર્દીઓનાં કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ભારતમાં કોરોના વાઈરસના ચેપગ્રસ્તોની સંખ્યા 44 પર પહોંચી છે.

કોરોનાનાં વ્યાપક ભયને ધ્યાનમાં લઈને ભારતમાં પણ ઠેર ઠેર સાવધાની રાખવામાં આવી રહી છે.

આગરાના જગવિખ્યાત સ્મારક તાજમહલને પણ આ સાવધાનીમાંથી બાકાત રાખવામાં આવ્યું નથી.

આ સ્મારકની મુલાકાત લેતા પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પર્યટકો રક્ષાત્મક માસ્ક પહેરીને તાજમહલમાં પ્રવેશ કરે એવી સત્તાવાળાઓએ તકેદારી લીધી છે.

કોરોના વાઈરસના ધીમે ધીમે વધી રહેલા વ્યાપને ધ્યાનમાં લઈને આગરા શહેરના મેયર નવીન જૈને કેન્દ્ર સરકારને લેખિતમાં વિનંતી કરી છે કે તાજમહલ સહિત દેશના તમામ જાણીતા સ્મારકોને કામચલાઉ બંધ કરી દેવા જોઈએ.

ઉત્તર પ્રદેશમાં કોરોનાનો શિકાર બનેલાઓની સંખ્યા 6 પર પહોંચી છે.